ભાસ્કર એક્સપોઝ:જિલ્લામાં એક માસ પહેલા વેક્સિનેશન માટે 18 લાખનો ટારગેટ હતો હવે ઘટાડી 15 લાખ કર્યો : વધુ સિદ્ધિ બતાવવા તંત્રનો ખેલ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 100 કરોડ અને જિલ્લામા14.72 લાખ લોકોને રસી મુક્યાની સિધ્ધિની ઉજવણીમાં બલુન પણ ઉડાવ્યા

સમગ્ર ભારતમાં 100 કરોડ લોકોને વેક્સિન મૂકાયાની સિધ્ધિમાં આણંદ જિલ્લાનું તંત્ર પણ હરખભેર જોડાયું અને આણંદ જિલ્લામાં 97 ટકા રસીકરણ થયાની હવા ફેલાવી સિધ્ધિની ઉજવણીમાં ફૂગ્ગા પણ ઉડાડ્યા. પરંતુ વાસ્તવિક્તા કઇક જુદી જ છે. આણંદ જિલ્લામાં 97 ટકા વેક્સિનેશન બતાવવા માટે તંત્રએ આંકડાની માયાજાળ રચી. લગભગ એક મહિના પહેલાં રસી મૂકવાની પાત્રતા ધરાવતા લોકોની સંખ્યા (ટારગેટ) 17.96 બતાવી હતી અને આજે ટારગેટની સંખ્યા ઘટાડીને 15.09 લાખ કરી દેવામાં આવી હતી.

રસીકરણમાં 97 ટકાની સિધ્ધિ હાંસલ કરી હોવાનું પૂરવાર કરવા માટે ટારગેટની સંખ્યા ઘટાડી જેના કારણે આપોઆપ સિધ્ધિનું પ્રમાણ પણ વધી ગયું. આમ સઘળી કાર્યવાહી કાગળ પર કરવામાં આવી. આણંદ જિલ્લા તંત્ર દ્વારા અગાઉ જારી કરાયેલી વિગતો મુજબ ગત 18મી સપ્ટેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા 17.96 લાખ લોકો રસીની પાત્રતા ધરાવતા હોવાનું જણાવ્યું હતું. જેમાંથી 13.80 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવતાં 77 ટકા રસીકરણ બતાવાયું હતું.

જયારે બરાબર એક માસ બાદ એટલે કે આજે ગુરૂવારે દેશમાં 100 કરોડના રસીકરણની સિદ્ધિની આણંદ જિલ્લા તંત્ર દ્વારા ઉજવણી કરાઇ હતી ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની ટકાવારી વધારવા માટે ખેલ રચ્યો હતો. એક માસ અગાઉ 18 લાખનો ટાર્ગેટ હતો તે ઘટાડીને માત્ર 15.09 લાખ કરીને 14.72 લાખ નાગરિકોને પ્રથમ ડોઝ આપીને 97 ટકા સિદ્વિ દર્શાવીને તંત્રે વાહવાહી લૂંટી હતી. આણંદ જિલ્લામાં 21મી ઓકટોબર સુધીમાં જિલ્લાના 8 તાલુકામાંથી બોરસદ અને આંકલાવમાં 100 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઇ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગનો 18-09-2021નો ટાર્ગેટ દર્શાવતો રીપોર્ટ

અન્ય સમાચારો પણ છે...