આણંદમાં ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યના બનાવમાં પોલીસ કે અન્ય સત્તાતંત્રે હજુ સુધી કસુરવાર સામે કોઇ નક્કર પગલાં ભર્યા નથી પરંતુ જિલ્લામાં ફટાકડા વેચવાના પરવાના ધરાવતા 39 જેટલા પરવાનેદારોની ત્યાં ચેકિંગ હાથ ધર્યુ છે. આ લોકોની પાસે ફટાકડા વેચવા માટે અને સલામતીની પૂરતી વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી હાથ ધરી છે. આમ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવો ઘાટ કર્યો છે. બીજી બાજુ જ્યાં આગ લાગી હતી તે મયુર સેલ્સનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં દારૂખાનાના વેચાણ માટે પ્રાન્ત કચેરી દ્વારા અત્યાર સુધીમાં 39 જેટલા કાયમી પરવાના આપવામાં આવ્યા છે. અત્યાર સુધી આ લોકોની દુકાનો અને પરવાના સ્થળે કોઇ પ્રકારની ચકાસણી કરાઇ નહતી પરંતુ ગત સોમવારે આણંદમાં મયુર સેલ્સમાં ભયાનક આગ લાગ્યા બાદ તંત્રે આળસ ખંખેરી છે અને 39 જેટલા પરવાનેધારકોની ત્યાં 12 જેટલી ટીમો મોકલી લાયસન્સમાં બતાવેલા સ્થળ પર જ ફટાકડાનું વેચાણ થાય છે ?
જેટલા જથ્થાની પરવાનગી આપી છે તેટલો જથ્થો છે કે વધુ છે ? સ્થળ પર અગ્નિશમનના સાધનો છે કે નહીં ? આસપાસમાં કોઇ જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતું નથી ને ? તે સહિતના પાસાઓની ચકાસણી શરૂ કરી છે. વધુમાં આણંદ રૂરલ કચેરી હસ્તકની ટીમોએ જણાવ્યા મુજબ મોગરી અને ગોપાલપુરામાં તંત્રએ આપેલા લીસ્ટ મુજબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પરંતુ કાંઈ પણ વાંધાજનક મળી આવેલ ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.