ચોરી:પેટલાદની શાહપુર દૂધ ડેરીના શટરનો દરવાજો ખોલી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 31 હજાર ઉપરાંત રોકડની ચોરી થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરોનો આતંક વધી રહ્યો છે. ઘરફોડ ચોરો પોલીસ માટે રોજ નવા પડકારો ઉભા કરી રહ્યા છે. પેટલાદ તાલુકાના શાહપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ત્રાટકેલા તસ્કરે શટરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી રૂ.31 હજાર ઉપરાંત રોકડની ચોરી કરી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી મનિષકુમાર રમેશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંડળીની ચાવી પટાવાળા ગીરીશભાઈ ઠાકોર પાસે રહે છે. તેઓ સવારના છથી સાડા છ વાગ્યાની આસપાસ આવીને ડેરી ખોલે છે. જે બાદમાં નવ વાગ્યા સુધી ચાલુ રહે છે. બાદમાં ડેરી બંધ કરી સાંજે ફરી ખોલે છે. રાત્રિના સાડા આઠેક વાગે દૂધ ભરવાની કામગીરી બંધ થઇ જતાં ડેરી બંધ કરી દેવામાં આવે છે. જોકે, રાત્રિના દસેક વાગે દૂધનું ટેમ્પરેચર ચેક કરવા ફરી ડેરી ખોલવામાં આવે છે.

14મી સપ્ટેમ્બરના રોજ સાંજના દૂધ ભરવાની કામગીરી પુરી કરી આવકના રોકડ રૂ.31 હજાર 255ની સિલક ડેરીના લોકરમાં મુકીને લોક કરી ઘરે ગયાં હતાં. બાદમાં રાત્રિના દસેક વાગ્યાના સુમારે ટેમ્પરેચર ચેક કરી ઘરે જઇ સુઇ ગયાં હતાં. સવારે ગીરીશભાઈએ જાણ કરી કે ડેરીનું પાછળનું શટર ખુલ્લુ છે. આથી, તાત્કાલિક ડેરી પર પહોંચી તપાસ કરતાં લોકરમાં મુકેલા રોકડા રૂ.31,255 કોઇ શખસ ચોરી કરી ગયાનું જણાયું હતુ. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...