શિક્ષકોની ઘટ ક્યારે પુરાશે?:આણંદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં 480 શિક્ષકોની ઘટ, બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોથી વધું બોરસદના કાંઠાગાળાની શાળામાં શિક્ષકોની ઘટ
  • સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ વહેલી તકે શિક્ષકોની નિમણૂંક કરવાની માગ કરી

આણંદ જિલ્લા પંચાયતની ગુરૂવારના રોજ સામાન્ય સભામાં મળી હતી. જેમાં શાળામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો હતો. જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં કુલ 480 શિક્ષકોની ઘટ છે. જોકે, આ ઘટ ફક્ત કાંઠાગાળાના અને પછાત વિસ્તારમાં જ હોય તેવું વિપક્ષ સભ્યના પ્રશ્નના આપેલા જવાબ પરથી ફલિત થયું હતું. આ અંગે વિપક્ષે તાત્કાલિક પછાત વિસ્તારમાં શિક્ષકોની ઘટ પુરી કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કર્યા બાદ તેની ભલામણ કરતા પત્રનો વિવાદ પણ વધુ ચર્ચાયો હતો. આ સામાન્ય સભામાં કુલ 26 ઠરાવો કરવામાં આવ્યાં હતાં. જેમાં કેટલાક સર્વાનુમત્તે મંજૂર થયાં હતાં.

પછાત વિસ્તારની શાળામાં શિક્ષકોની ઘટ
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં કુલ 480 શિક્ષકોની ઘટ છે. જોકે, મહત્વની બાબત એ છે કે નિમણૂંક પામેલા શિક્ષકો પોતાના ઘર, વતન કે મોટા શહેર નજીકની જગ્યા પસંદ કરે છે. જેના કારણે અંતરિયાળ, પછાત વિસ્તારની શાળામાં શિક્ષકો જોવા મળી રહ્યાં નથી. સામાન્ય સભા દરમિયાન પુછાયેલા સવાલના જવાબમાં શિક્ષક વિભાગે કબુલ્યું હતું કે, આણંદમાં 76, ઉમરેઠમાં 31, બોરસદમાં 100, આંકલાવમાં 22, પેટલાદમાં 83, સોજિત્રામાં 12, ખંભાતમાં 111 અને તારાપુરમાં 45 મળી કુલ 480 શિક્ષકની ઘટ છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, ખંભાત અને બોરસદમાં જોવા મળતી ઘટમાં સૌથી વધુ કાંઠાગાળાના ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાં ખાનગી શાળાઓ પણ નથી. જેના કારણે બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ સંદર્ભે વ્હેલી તકે શિક્ષકોની નિમણૂંક કરવા વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ રજૂઆત કરી હતી.

સામાન્ય સભામાં અનેક પશ્નો રજૂ કરાયા
આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં કોન્ટ્રાક્ટરનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં ગત સામાન્ય સભામાં સમય મર્યાદામાં કામ ન કરનારા ચાર કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા સરકારને ભલામણ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવના થોડા દિવસ બાદ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના લેટર પેડ પર કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ ન કરવા ભલામણ કરી હતી. જે પત્ર સંદર્ભે વિપક્ષ નેતાએ ગંભીર અને સામાન્ય સભાને છેતરવાની ખોટી નીતિરીતિ ગણાવી હતી. ઠરાવ સંદર્ભે અધિકારીએ ખોટો રિપોર્ટ કર્યો હોય તો તેની સામે પગલાં ભરવા જોઈએ. જો તે સાચા હોય તો પ્રમુખે શા માટે બ્લેક લીસ્ટ ન કરવા ભલામણ કરી તેનો ખુલાસો માંગ્યો હતો. આ મુદ્દે લાંબી ઉગ્ર ચર્ચા ચાલી હતી અને વિપક્ષે તપાસની માંગણી કરી હતી. આ સામાન્ય સભા દરમિયાન અન્ય સભ્યોએ પણ રસ્તા, આરોગ્ય વિભાગના ગ્રાન્ટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
લાખોના ખર્ચે હોસ્પિટલની સુવિધા ઉભી કરી પરંતુ ડોક્ટર ન નિમાયાં
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમિયાન હોસ્પિટલમાં ડોક્ટર નિમવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ધર્મજના સભ્યએ આરોગ્ય અધિકારીને આડેહાથ લીધાં હતાં. તેઓએ ભરસભામાં આક્ષેપ કર્યો હતો કે, આરોગ્ય અધિકારીના કહેવાથી હોસ્પિટલમાં 22 લાખના ખર્ચે ઓપરેશન થિયેટર સહિતની સગવડો ઉભી કરવામાં આવી છે. જેમાં દાતાઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આમ છતાં આરોગ્ય અધિકારી હવે ડોક્ટરની નિમણૂંક કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...