આણંદમાં સરકારી અનાજનું વિતરણ મોડું થતાં લાભાર્થીઓને હાલાકી ભોગવી રહ્યાં છે. દુકાનદારો પાસે વિતરણ માટે બે કે ત્રણ દિવસ જ રહેતા લાઇનો લાગી છે. આ અંગે દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આણંદ શહેર ફેર પ્રાઇઝ શોપના દુકાનદારોએ કલેક્ટરને રજૂઆત કરી એપ્રિલ મહિનામાં સરકારી અનાજના વિતરણની મુદત લંબાવવા માંગણી કરી છે.
આણંદ શહેરના વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સરકાર માન્ય પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારમાં એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો માલનું વિતરણ 13મી એપ્રિલ,22ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો માલ પણ મોડો પડવાથી વિતરણ કઇ રીતે કરીએ? જ્યારે દુકાનદારો પાસે અનાજનો જથ્થો 27મી એપ્રિલના રોજ આવેલો હોવાથી એનએફએસએ રેગ્યુલર અનાજ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો માલ દુકાનદારો પાસે આવ્યાના બેથી ત્રણ દિવસમાં જ કઇ રીતે વિતરણ કરી શકીએ? તેમાં પણ 27મીના રોજ સાંજના પાંચથી 28મીની બપોર સુધી સર્વર પણ બંધ હતું.
દુકાનદારો પાસે હાલ જથ્થો 70 ટકા જેટલો જથ્થો હોવાથી 2 - 3 દિવસમાં કઇ રીતે વિતરણ કરી શકે? આથી, વિતરણ માટે 5 કે 10 દિવસ વિતરણની મુદત લંબાવવા આગ્રહ કરીએ છીએ. જેથી રેશનકાર્ડ ગ્રાહકો અનાજથી વંચિત રહી ન જાય. આણંદ શહેર ફેર પ્રાઇઝ શોપના તમામ દુકાનદારોનો જથ્થો ગોડાઉનથી જ 25મી પછી આવ્યો હતો. જેથી વિતરણ થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.