આણંદની બેંક ઓફ બરોડામાં ફાયરિંગ:પૈસાની લેતી દેતીમાં સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં આવીને એક વ્યક્તિને ગોળીઓ ધરબી દીધી, હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા

આણંદ5 દિવસ પહેલા
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

આણંદ બેંક ઓફ બરોડા શાખામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બેંકમાં ખાતેદારો બેંકિંગ કામકાજ માટે હાજર હતા તે સમયે જ હાજર સિક્યુરિટી ગાર્ડ ગુસ્સે થઈ એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરતા તે ગંભીર ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આણંદ શહેર પોલીસે દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેંકમાં હાજર પોલીસકર્મીએ આરોપીને ઝડપી લીધો
આ અંગે ડીવાયએસપી બી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, આણંદના બારદાન વાલા કોમ્પલેક્ષમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બેંકમાં જ એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે આણંદ પોલીસનો જવાન પણ બેંકિંગ કામકાજ અર્થે હાજર હોઈ આરોપી વધુ ફાયરિંગ કરે તે પહેલાં જ ઝડપી લીધો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં આ મામલો પૈસાની લેતીદેતી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ મામલે વધુ તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે જે બાદ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે.

પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
મહત્વનું છે કે, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બેંકમાં હાજર કર્મચારીઓ અને બેંક કામકાજ માટે આવેલ ખાતેદારોમાં પણ અફડાતફડી મચી હતી. કોમ્પલેક્ષ બહાર લોકટોળા એકત્ર થઈ ગયા હતા. હાલ બેંક શાખા બંધ કરી કામકાજ પણ બંધ રાખવામાં આવ્યું છે. બેંક મેનેજર દ્વારા ઉપરી અધિકારી અને કચેરીએ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી તકેદારી દાખવવામાં આવી રહી છે.

દિપેને ભાજપના કાર્યકરને નાણાં અપાવ્યાં હતા
ભાજપમાં મહત્વના હોદૃા પર રહેલા ધવલ ચાવડાએ દિપેનના રેફરન્સથી સિક્યોરીટી ગાર્ડ પાસેથી 75 લાખ લીધા હતા તે પછી તેણે 15 લાખ પરત કર્યા હતા. તેની રહેણીકરણીમાં બદલાવ આવ્યો હતો. શખસે થોડાં સમય પહેલાં જ ઓડી કાર ખરીદી હતી. ફાયરીંગ બાદ ધવલ ફરાર થઇ ગયો છે.

ગાર્ડ બીજો રાઉન્ડ ફાયર કરે તે પહેલાં ગન ખેંચી લીધી, 3થી 4 મિનિટ ઝપાઝપી થઇ
હું મારી નોકરી પૂરી કર્યા બાદ આણંદ સ્થિત બેંક ઓફ બરોડામાં પાસબુકમાં એન્ટ્રી કરવા માટે ગયો હતો. એ પછી નવી પાસબુક લેવાની હોઈ હું બેંકમાં અંદર ગયો હતો. ત્યારે રીસેસનો સમય હતો એટલે હું બેંકની અંદર જ એક કર્મી સાથે વાત કરતો હતો અને અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. મેં જોયું તો સિક્યોરીટી ગાર્ડે યુવક પર ફાયરિંગ કર્યું હતું. મેં કંઈ પણ વિચાર્યાં વિના તુરંત જ સિક્યોરીટી ગાર્ડને દબોચી તેની પાસેની ગનનું નાળચું પકડી લઈ ગન કબજે લીધી હતી. ત્રણથી ચાર મિનિટ સુધી ઝપાઝપી ચાલી હતી. એ પછી તરુંત અમારા પોલીસ અધિકારીને જાણ કરી હતી. > ખુમાનસિંગ શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ, બોરસદ ટાઉન.

અન્ય સમાચારો પણ છે...