જીવવું છે ? તો સાવધ રહો:કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક વગર લક્ષણે ઓક્સિજન 50 % થાય છે

આણંદ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અમે ડરાવતા નથી પણ તમારે જાણવું જરૂરી છે
 • 4000 દર્દીઓની સારવાર કરનારા તબીબો કહે છે, આની કોઇ દવા નથી
 • ઘરમાં ડિસ્ટન્સ રાખો-સેનેટાઈઝ કરો અને બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો
 • કોરોના સામે સાવધાન રહેવા કરમસદ હોસ્પિટલના તબીબોની લોકોને અપીલ

ડરો નહી અમે ડરાવતા નથી. પરંતુ તમારે માટે આ સ્થિતિની જાણકારી અત્યંત જરૂરી છે. હાલમાં દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એ એટલી ઘાતક છે. જો તમે તકેદારી રાખવામાં સહેજ પણ બેદરકારી દાખવી તો આવનાર સમયમાં કોરોનાનો મહાવિસ્ફોટ સર્જાશે. એટલું જ નહિં પણ દેશભરની હોસ્પિટલોમાં બેડ ખાલી નહી હોય, તો સારવાર લેવા કયાં જવું તે પ્રશ્ન થઇ પડશે. કરમસદશ્રી કૃષ્ણ હોસ્પિટલના 1 વર્ષમાં 4 હજાર જેટલા દર્દીઓની સારવાર કરનાર ડૉ.ભાલેન્દુ વૈષ્ણવ, ડૉ સમીર પટેલ, ડો. સુનિલ છાજવાણી અને ડો. અભીષેક પ્રજાપતિએ લોક જાગૃતિ માટે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું .

કોરોના અંગે લોકો સાવધાની રાખે તે માટે તેમને વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કોરોનાની આ બીજી લહેર એટલી ઘાતક છે કે, કોરોનાના કોઇ લક્ષણો દેખાતા નથી. જો તમે હરતા ફરતાં હોય તો પણ લોહીમાં ઓકસીજન 50 થી નીચે જતું રહેછે અને તમારે જાન ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તેમને અગાઉની સરખામણી કરતાં જણાવ્યુ હતુ કે, કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં બલ્કમાં દર્દીઓ આવી રહ્યાં છે. તેમજ આ વાયરસ હવે હવા અને સંપર્કથી વધુ ફેલાય છે.

1 વ્યકિતને થાય તો તે 7 થી 8 વ્યકિતને સંક્રમિત કરે છે. તેમ છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. આ અંગે સાવચેતી નહીં રાખો તો, આગામી 15 દિવસ બાદ હોસ્પિટલો ફુલ થઇ જશે તો સારવાર માટે કયાં જશો તે પ્રશ્ન થઇ પડશે. દરેક વ્યકિત પોતેજ તકેદારી રાખશે તો જ પરિવાર અને સમાજમાં કોરોના ફેલાતો અટકાવી શકાશે. વેક્સિનનો બંને ડોઝ લેનારની 60 થી 80 ટકા ઇમ્યુનીટી વધે છે.

લોહી ગંઠાતા બે દર્દીના પગ કાપવા પડ્યાં
કરમસદ હોસ્પિટલના ડો સમીર પટેલે જણાવ્યું હતું કે, કોરોના બીજી લહેરનો વાયરસ એટલો ઘતાક છે , લોહીમાં ઓકસીજન ઓછો થતાંની સાથે લોહી ગંઠાઇ જાય છે. જેના કારણે વ્યકિતનો જીવ ખતરામાં મુકાઇ જાય છે. હાલમાંજ કરમસદની હોસ્પિટલમાં કોરોના બે દર્દીઓના પગમાં લોહી ગંઠાઇ જતાં બંનેના બંને પગ કાપવાની ફરજ પડી હતી. પગ ન કાપવામાં આવે તો શરીરના અન્ય ભાગમાં લોહીને તેની અસર થવાની સંભાવના હતી.

આ ઉપરાંત આ વાઇરસ ડાયાબીટીસ,બીપી, હાર્ટએકટ અને મેદસ્વીતા ધરાવતા લોકો માટે સૌથી ઘાતક છે. તેઓના શરીર વાઇરસ ઝપટથી પ્રસરી જતાં ગંભીર હાલતમાં મુકાઇ જાય છે. આ ઉપરાંત ફેફસા,લીવર,કિડની અને મગજ પર સીધી અસર કરે છે. કયારે તો તમાર શરીરમાં કોઇ લક્ષણ જણાતા નથી. તમે ચાલતા બજાર કે હોસ્પિટલમાં આવ્યા હોય પણ અચાનક જ લોહીમાં ઓકસીજન ઘટી જતાં તેને જાન ગુમાવવાનો વખત આવે છે. તેથી કોઇ પણ સામાન્ય લક્ષણ જણાય તો યોગ્ય ડોકટરની સલાહ લઇને તાત્કાલિક સારવાર લેવા જણાવ્યું છે.

નવા વાયરસના લક્ષણો કેવા છે ?

 • કોઇ લક્ષણો જોવા મળતા નથી.તેમજ છતાં લોહીમાં ઓકસીજન ઘટી જાય
 • શરદી કે ખાંસી જણાતી ન હતી.તેમ છતાં નાક અને આંખમાંથી પાણી પડે,આંખો આવે
 • તાવ આવે પેરોસીટમલ લેવાથી ઉતરી જાય અને પાછો ચઢે, અને તો વળી કયારેક તાવ ઉતરો જ નથી.
 • ડાયેરીયા થઇ જાય છે. તેમજ પગ ચુસવા કે માથા દુઃખાવો વગેરે જોવા મળે
 • નિમોયોનિયા જોવા મળે છે. તો વળી કયારેક કોઇ લક્ષણ હોતા નથી.પણ શરીર કડતર રહે

શુ સાવચેતી રાખવી પડશે ?

 • માસ્ક પહેરીને બહાર નીકળો, કામ સિવાય બજારમાં જવાનું પણ ટાળો
 • સોશિયલ ડિસ્ટનસિંગ બજારમા કે ઘરમાં જળવાઇ રહે તેની તકેદારી રાખો
 • કોઇને મળ્યાબાદ હાથસેનેટાઇઝ કરો,ઘરમાં દરેક વસ્તુઓ સેનેટાઇઝ કરવાની રાખો,
 • સામાન્ય તકલીફ જણાય તો ઘરે બેઠા સારવાર લેવાની જગ્યાએ હોસ્પિટલમાં જઇને આરટીપીસીઆર ટેસ્ટ કરાવો, ડોકટરની સલાહ મુજબ સારવાર લેવા જણાવ્યું હતુ.