તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:ચરોતરમાં બોગસ બેન્ક બેલેન્સ સર્ટીના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ સામે આવ્યું

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બોગસ બેંક બેલેન્સ સર્ટીફિકેટના અરજદાર પાસે 3 લાખ વસૂલાતા
  • છ વ્યક્તિના નામના બોગસ બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યાં

ચરોતરના નાગરિકો દેશ વિદેશમાં વસવાટ કરે છે.અહીં વિઝા કન્સલ્ટન્ટ એજન્સીઓની હાટળીઓ ખૂલેલી છે.અનેક નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીથી પોલીસ ફરિયાદો થયેલ છે.જોકે હજુ પણ અનેક વિદેશ વાંછું નાગરિકો આવા લેભાગુ તત્વો સાથે છેતરાઈ રહ્યા છે. વિદ્યાનગર પોલીસે બાતમી આધારે રાધા સાયુજ્ય કોમ્પ્લેક્સમાં આવેલા લોટસ ઓવરસીઝ એજ્યુકેશનમાં દરોડો પાડી બોગસ બેન્ક સર્ટીફિકેટ બનાવી આપવાનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ બોગસ બેન્ક સર્ટીફિકેટ બનાવવના રૂ.ત્રણ લાખ જેવી માતબર રકમ લેવામાં આવતી હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતે કે, વી.સી. પટેલ સ્કૂલની સામે આવેલા રાધા સાયુજ્ય કોમ્પ્લેક્સમાં લોટસ ઓવરસીઝ એજ્યુકેશન આવેલી છે. જેના માલિક સ્ટુડન્ટ વિઝા પર તથા પીઆર પર વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બોગસ ડોક્યુમેન્ટ તથા બેન્ક સ્ટેટમેન્ટ બનાવી વિદેશ મોકલે છે. તે પેટે લોકો પાસેથી તગડી ફી વસુલે છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ, કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતની ટીમ બનાવી 24મી ઓગષ્ટ,2021ની સાંજ લોટસ ઓવરસીઝ એજ્યુકેશનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્ટાફ ઉપરાંત અલગ કેબીનમાં બેઠેલા કલ્પેશ ખીમજીભાઈ સોલંકી (રહે. સીતારામ કોમ્પ્લેક્સ પાસે, હરિઓમનગર, વિદ્યાનગર) મળી આવ્યાં હતાં.

આ દરોડા દરમ્યાન ઝડપાયેલા કલ્પેશ સોલંકીની પૂછપરછ કરતાં તેણે ઓફિસના માલિક હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટક કરી ઓફિસમાં તપાસ કરતાં એક કોમ્પ્યુટરમાંથી અલગ અલગ છ વ્યક્તિના નામના બોગસ બેન્ક સર્ટીફિકેટ મળી આવ્યાં હતાં. આ તમામ બેંક બેલેન્સ સર્ટીફિકેટ વર્ડની ફાઇલમાં બેંકના સ્ટેમ્પ, લોગો, બેંકનું નામ તથા બેંકની અન્ય વિગત અને બેંકના અધિકારીની સહી, સિક્કાનો ડિજીટલ સ્વરૂપમાં ઉપયોગ કરી બનાવેલા હતાં. જે એડીટેબલ હતાં. આ અંગે કલ્પેશ સોલંકીની વધુ પૂછપરછ કરતાં પોતે સ્ટુડન્ટ વિઝા તથા પીઆર વિઝા ઉપર વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકો પાસેથી અભ્યાસને લગતાં ડોક્યુમેન્ટસ તથા પાસપોર્ટ મેળવી પાઇલ તૈયાર કરી વિદેશ મોકલવાની સંપૂર્ણ જવાબદારી લે છે. તેમાં એક ગ્રાહક દીઠ રૂ. ત્રણ લાખ બેન્ક બેલેન્સ સર્ટીફિકેટ તથા ફાઇલ ફીના લઇ ગ્રાહકોના નામે ખોટા જુદી જુદી બેંકના બેલેન્સ સર્ટીફિકેટ બનાવ્યાં હતાં. કલ્પેશની આ કબુલાત આધારે પોલીસે કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ મળી કુલ રૂ.32 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો હતો.

વિદ્યાનગરમાં બે વર્ષથી બોગસ સર્ટી બનાવતો હતો

વિદ્યાનગર પોલીસે પકડી પાડેલા કલ્પેશની પુછપરછ કરતાં તેણે 2019થી બોગસ સર્ટીફિકેટ બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં પોલીસને છ સર્ટીફિકેટ કોમ્પ્યુટરમાંથી મળ્યાં છે. જ્યારે બાકીના સર્ટીફિકેટ મેળવવા કોમ્પ્યુટરને એફએસએલમાં મોકલી આપવામાં આવશે.

પ્રોહિબિશન અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો
કલ્પેશ સોલંકીને અગાઉ વિદ્યાનગર પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. જેને પગલે તેના વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાયેલો છે.

દસ્તાવેજ મળ્યા છે તેમની પૂછપરછ કરાશે
રેકેટ ખરેખર કેટલાં સમયથી ચાલતું હતું, તેણે કોઈ ગ્રાહકોને બનાવી આપ્યા છે તે લોકો વિદેશ પહોંચી ગયા છે કે કેમ તે સહિત બેંકની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાશે. કારણ કે જેના બેંક ડિટેઈલ છે તે તમામ વર્ષ 2019ની આસપાસ છે. ઉપરાંત, કલ્પેશ સોલંકી પાસે વિવિધ બેંકોની વિગતો અને ડિજિટલ સહીઓ તેમજ સિક્કાઓ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરાશે. આ સિવાય, જેમના દસ્તાવેજ મળી આવ્યા છે તે લોકોની પણ પૂછપરછ કરાશે. > હરપાલસિંહ ચૌહાણ, પીઆઈ, વિદ્યાનગર પોલીસ સ્ટેશન.

કમ્પ્યુટરમાંથી કોના-કોના દસ્તાવેજ મળ્યા અને કેટલું બેલેન્સ બતાવ્યું

  • આશેષ કાંતિલાલ શાહ (રહે. આકાશદીપ સોસાયટી, સુભાનપુરા વડોદરા), બેંક બેલેન્સ - 32 લાખ
  • ગીરીશભાઈ ડાયાભાઈ પરમાર(રહે. ક્રિષ્ના નગર સોસાયટી, ગામડી), બેંક બેલેન્સ રૂપિયા 14 લાખ
  • નરેન્દ્રકુમાર પરસોતમ પટેલ (રહે. મોટી ખડકી, રામોલ, પેટલાદ), બેંક બેલેન્સ રૂપિયા 25.01 લાખ
  • ધવલ વિનોદભાઇ પરમાર (રહે. પવન ધામ સોસાયટી ચંદન પાર્ક પાસે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ), બેંક બેલેન્સ રૂપિયા 23.54 લાખ
  • વંદનાબેન હરેશભાઇ પટેલ (રહે. નરસંડા) , બેંક બેલેન્સ રૂપિયા 29.55 લાખ
  • નરેન્દ્રકુમાર પરસોતમ પટેલ (રહે. મોટી ખડકી, રામોલ, પેટલાદ), બેંક બેલેન્સ રૂપિયા 53.64 લાખ
અન્ય સમાચારો પણ છે...