હાલાકી:પોલીસ ડ્રાઈવમાં ખિસ્સા હળવા થતાં રીક્ષાચાલકો મુશ્કેલીમાં મુકાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંક-લોનના હપ્તા પણ ન ભરી શકનારસામે કાર્યવાહી

કોરોના મહામારીને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની અમલવારી થાય તે માટે આદેશ અપાયા છે. જે આદેશના પગલે પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યા છે જેમાં જાહેરનામા ભંગના કેસો કરવાનું કહેવામાં આવ્યું છે જેમાં વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા ટાર્ગેટ પૂરો કરવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે કેસ કરવામાં આવી રહ્યા છે જેમાં ગરીબ રીક્ષાચાલકોનો ખો નીકળી રહયો છે.

બોરસદ રૂરલ પોલીસ દ્વારા તારાપુર-વાસદ બ્રિજ પાસે રોજ સવાર સાંજ રીક્ષાચાલકોને પકડી ટાર્ગેટ પૂરો કરવામાં આવી રહ્યો છે જેમાં દર રોજ 6 થી 8 જેટલા કેસો કરી રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરી પોલીસ દ્વારા તેઓને રંજાડવામાં આવી રહ્યા છે.બોરસદ શહેરમાં અસંખ્ય રીક્ષાઓ મુસાફરો ભરીને દોડે છે તેમજ રાજ્યમાં અન્ય વાહનોમાં પણ 50 % કેપેસીટી મુજબ જ મુસાફરો બેસાડવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં એસ ટી બસોમાં પણ આ નિયમ પાળવામાં આવતા નથી તેમજ અન્ય વાહનચાલકો પણ નિયમોને નેવે મૂકી દોડતા હોય છે.

પરંતુ બોરસદ રૂરલ પોલીસ દ્વારા માત્રને માત્ર રીક્ષાચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ આવે છે. આણંદ - બોરસદ રોડ ઉપર તારાપુર - વાસદ બ્રિજ પાસે બોરસદ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઇ રીક્ષાચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ કોરોના મહામારીને લઇ બેન્ક અને લોનના હપ્તા પણ નહીં ભરી શકતા રીક્ષાચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે બીજી તરફ મોંઘીદાટ કારોમાં વગર માસ્ક લોકો જતા રહે છે તેઓની સામે પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...