પાણી સમસ્યા:પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન સંકલન સમિતિની બેઠકમાં ઉઠયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીને લગતી સમસ્યાને પ્રાધાન્ય આપવા જણાવ્યું

આણંદ જિલ્લામાં ઉનાળામાં પીવાના પાણી સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં વિકટ ના બંને તેમજ ખંભાત અને તારાપુર તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તથા જિલ્લામાં વધી ગયેલા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યોએ આણંદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવતા ગરમાવો વ્યાપી ગયો હતો. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ અધિકારીને પીવાના પાણીની બૂમો ના ઉઠે તે માટે અગાઉથી આયોજન કરીને તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડા, પુનમ પરમારે તારાપુર, ખંભાત સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી સહિત પશુઓને પીવડાવા માટે પાણી ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે તે માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનમાં વધી ગયેલા ગરેકાયદે દબાણો, ખેડૂતોને અપાતા વીજ જોડાણ અને તેમાં પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરી હતી.

સાથે સાથે આયોજન મંડળના વિકાસના કામો, રસ્તાના કામો ઉપરાંત દૂધ મંડળીઓ, આરોગ્ય કેન્દ્રો, ખાણ-ખનીજ, એમ.જી.વી.સી.એલ., રેલ્વે સહિતના વિભાગને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેની બેઠકમાં વિગતવાર ચર્ચા કરી ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સબંધિત વિભાગના અધિકારીયોને સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરી તમામ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી.

કલેકટરે બેઠક દરમિયાન પ્રજાના પડતર પ્રશ્નો, નાગરિક અધિકારપત્ર, લોકાભિમુખ વહીવટ, આંતરિક પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તમામ અધિકારીઓને પ્રો-એકટીવ રહીને કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યો અમિત ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજન પટેલ અને પૂનમ પરમાર, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોર, હેન્ડપંપ રીપેરીંગના કામ સ્તવરે હાથ ધરી નિકાલ કરવા જણાવાયું
આ બેઠકમાં કલેકટરે ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાને લઇ પીવાના પાણીના જે કોઇ સ્ત્રોત હોય તે સ્ત્રોતોની ચકાસણી કરી લેવા, સમયસર બોર-હેન્ડ પંપ રીપેરીંગ થાય જેવી બાબતોનો સત્વરે નિકાલ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અગમચેતીના તમામ પગલાં ભરવા અને અફવાઓ ન ફેલાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું. > મનોજ દક્ષિણી, કલેક્ટર, આણંદ જિલ્લા

અન્ય સમાચારો પણ છે...