નિર્ણય:SP યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રથમવાર શોભાયાત્રા નહીં યોજાય, સમારોહમાં 119 ગોલ્ડ મેડલ એનાયત થશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લઈને માત્ર 150થી 200 લોકોને મંજુરી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આગામી 15મી ડિસેમ્બરના રોજ 63મો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય મહેમાનપદે નવી દિલ્હીના સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ ડો. શેખર સી. માન્ડે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશેે. જોકે, કોરોના સંક્રમણ વચ્ચે યોજાનારા પદવીદાન સમારોહ પ્રથમ વખત અનોખો રહેશે. કારણ કે, 62 વર્ષમાં પ્રથમ વખત એવું બનશે કે શોભાયાત્રા નહીં યોજાય. તેમજ ગોલ્ડમેડલ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓને અને ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશવા નહીં દેવાય.

આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 119 ગોલ્ડ મેડલ એનાયત થશે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણી તો 80 જેટલા વિદ્યાર્થીઓ થાય છે. હવે હાલમાં કોરોના સંક્રમણ છે ત્યારે વધુ સંખ્યા એકઠી ન થાય તે પણ જોવાનું છે. તેને પગલે 11 ફેકલ્ટીમાં 17862 વિદ્યાર્થીઓને ડિગ્રી માટે પંડાલમાં હાજર ન રહેવા માટે જણાવ્યું છે. આ સિવાય, ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ પંડાલમાં હાજરી ન આપવા માટે જણાવ્યું છે.

સામાન્ય રીતે આમંત્રિત મહેમાનોને લઈને પંડાલમાં આવતા પહેલાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. એ સમયેે સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પણ હાજર રહે છે. જોકે, કલેક્ટર દ્વારા હાલમાં 150 થી 200 માણસોની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શોભાયાત્રા માટે મનાઈ ફરમાવી છે. તેને પગલે શોભાયાત્રા રદૃ કરી દેવાઈ છે. આમ, સમગ્ર સમારોહ સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે યોજાય તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...