ડાંગરની આવક:ગત વર્ષ કરતાં ડાંગરના ભાવ મણે રૂ. 80 વધુ મળતાં આનંદ, દૈનિક 550 ખેડૂતો ટ્રેકટર લઇને ડાંગર વેચવા આવે છે

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાના APMCમાં ઉનાળુ ડાંગરની આવક શરૂ

આણંદ જિલ્લામાં ઉનાળું ડાંગરનું વાવેતર ખંભાત, તારાપુર, સોજીત્રા તથા ઉમરેઠ પંથકમાં વધુ થાય છે. ખાસ કરીને સિંચાઇના પાણી વ્યવસ્થા સારી હોય તેવા વિસ્તારમાં ડાંગરનું વાવેતર 4800 હેકટરમાં થયું હતું. ઉત્પાદન સારૂ જોવા મળી રહ્યો છે. હાલમાં આણંદ જિલ્લાના તારાપુર એપીએમસી ખાતે છેલ્લા એક સપ્તાહથી દૈનિક 250 થી વધુ ખેડૂતો ટ્રેકટરોમાં ડાંગર વેચવા માટેઉમટી પડે છે. ગતવર્ષ કરતાં ટેકાના ભાવ સારા હોવાથી એક મણ ડાંગર ખેડૂતોને રૂા 80 વધારે મળી રહ્યાં હોવાથી આનંદની લાગણી જોવા મળી રહી છે.

નડિયાદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકામાં જયાં નહેરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ઉનાળાની ઋતુમાં ડાંગરની ખેતી મોટા પાયે થાય છે. ચરોતર અને ભાલ પંથકમાં ચોમાસુ ડાંગર લીધા બાદ એકાદ બે માસ જમીનને તપવા દઇ જાન્યુઆરી માસ બાદ ઉનાળું ડાંગરની રોપણી કામ શરૂ કરવામાં આવે છે અને એપ્રિલ માસમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થયા બાદ વેચાણ અર્થ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો લાવવાનું શરૂ કરે છે. તારાપુર બજાર સમિતિમાં હાલમાં દૈનિક250 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર ઉનાળું ડાંગર ભરીને વેચવા માટે આવે છે.અને જયારે ડાંગર પાક હવે નીકળવાનો હોવાથી તેમાં વધારો થવાની સંભાવના છે.

તારાપુર ઉપરાંત નડિયાદ, ઉમરેઠ, પેટલાદ અને ખંભાતની બજાર સમિતિમાં પણ ઉનાળુ ડાંગર વેચાણ અર્થ આવી રહી હોવાનું જાણવા મળેલ છે. આ વખતે ઉનાળુ ડાંગરના પડેલા ભાવથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ગતવર્ષ ઉનાળુ ડાંગરનો ભાવ રૂા.230 થી 270ની અંદર પડયો હતો. પરંતુ આ વખતે શરૂઆતથી જ રૂા.300થી 350નો ભાવ પડતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. તારાપુર બજાર સમિતિમાં હાલમાં ઉનાળું ડાંગર વેચવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે.

પોષણક્ષમ મળતા થશે તો હજુ પણ ઉનાળુ ડાંગરનું વાવેતર વધી શકે : ખેડૂત
તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામના અગ્રણી ખેડૂત ભઇજીભાઇએ જણાવ્યું હતું કે ગત વર્ષ ઉનાળું ડાંગરનો ભાવ રૂા.250થી 270 સુધીનો જ મળ્યો હતો. પરંતુ આ વર્ષ ઉનાળુ ડાંગરનો ભાવ300 થી350 સુધીનો મળી રહ્યો છે તે સારી બાબત છે. તારાપુર પંથકમાં ઉનાળુ ડાંગરની ખેતી મોટા પાયે થાય છે અને ભાવ પોષણક્ષમ મળતા થશે તો હજુ પણ ઉનાળુ ડાંગરનું વાવેતર વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...