તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોમાં નારાજગી:અમૂલ દાણના ભાવમાં કિલોએ 50 પૈસાનો વધારો, 50 કિલોની ગુણમાં રૂ. 25 અને 70 કિલોની ગુણના ભાવમાં રૂ. 35 વધી ગયા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ચરોતરમાં પશુપાલકો માટે માઠા સમાચાર છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આગામી પહેલી સપ્ટેમ્બરથી અમૂલ દાણના ભાવમાં કિલોએ 50 પૈસાનો વધારો કર્યો છે. આમ, ગાય-ભેંસ માટે વપરાતા પશુ દાણમાં દર વર્ષે થઈ રહેલા ભાવ વધારાને પગલે પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કપાસ ખોળ, મકાઈ ખોળ સહિતના સામગ્રીના ભાવમાં વધારો થતાં આગામી 1 લી સપ્ટેમ્બરથી પશુદાણમાં એક કિલોએ 50 પૈસાનો વધારો કર્યો છે. આમ, 50 કિલોની ગુણના ભાવમાં 25 રૂપિયા અને 70 કિલોની ગુણના ભાવમાં 35 રૂપિયા વધારો થયો છે. આમ પશુદાણના ભાવમાં વધારાના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત કેટલ ફીડ ફેકટરી કંજરી અને કાપડીવાવ ફેકટરીમાં અમૂલ દાણનું ઉત્પાદન થાય છે. હાલના ભાવ 50 કિલોની ગુણનો ભાવ 965 અને 70 કિલોની ગુણનો ભાવ 1390 હતો. પરંતુ હાલમાં મટીરીયલના ભાવ વધી ગયા હોવાથી દાણના ભાવમાં કિલોએ 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 1લી સપ્ટેમ્બરથી અમૂલ દાણની 50 કિલોની ગુણમાં રૂા 25 વધારો થતાં હવે તે ગુણ રૂપિયા 990માં મળશે. જયારે 70 કિલોની ગુણમાં રૂપિયા 35નો વધારો થતાં 1425માં મળશે, એમ સંઘના સંચાલકોએ જણાવ્યું હતું.

મકાઈ, કપાસ ભુસુ, ગોળ અને ઘઉંના ઘવારીયાના ભાવમાં વધારો થતાં દાણના ભાવમાં વધારો કરવો પડ્યો
અમુલ દાણની બનાવટમાં મકાઇ, કપાસ ભુસુ તથા ગોળ અને ઘંઉ ઘવારીયું વપરાય છે. જેના ભાવમાં વધારો થયો છે. તેના કારણે ચાલુ વર્ષે અમૂલના કિલોના દાણમાં રૂા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બે વર્ષ પછી ભાવ વધારો કરાયો છે.- રામસિંહ પરમાર, અમૂલના ચેરમેન,આણંદ

દાણ-ઘાસચારાના ભાવ વધતા પશુપાલકોને નફો થતો નથી
બે ભેંસ અને બે ગાય રાખીયે છીએ. સવારથી મોડી સાંજ સુધીમાં છાણ-વાસીદું, સફાઈ, ઘાસ નીરવવાની કામગીરી, પાણી પીવડાવવાનું તેમજ નવડાવવાની કામગીરીમાં જ દિવસનો સમય બગડે છે. પશુઓના લાલન-પાલન કરવાના બદલામાં આખા દિવસની મજૂરી જેટલા પણ નાણાં મળતાં નથી. ફક્ત સવાર-સાંજ ચા અને ખાવા માટે દૂધ મળી રહે તે જ નફાની સ્થિતિ હાલમાં છે. ગાયો-ભેંસોને ખવડાવવામાં આવતા દાણ અને ઘાસચારાની કિંમતમાં અસહ્ય વધારો થયો છે. જેના પગલે પશુપાલકોની સ્થિતિ આર્થિક રીતે દયનીય થઈ છે. - મનુભાઇ પરમાર, પશુપાલક, વડોદ

અન્ય સમાચારો પણ છે...