બેંક એટીએમ લૂંટ કેસ:ATM ચોરીમાં વપરાયેલી કારના માલિકને 57 હજાર ચૂકવ્યા હતા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત અને પેટલાદ એટીએમ ચોરી પ્રકરણમાં વધુ બેના નામ ખૂલ્યા, જોકે હજુ તેમની ધરપકડ બાકી

આણંદ જિલ્લામાં 27મી ઓગસ્ટના રોજ રાત્રિના એક સાથે બે બેંકના એટીએમ તૂટ્યા હતા. જેમાં ખંભાતના ઉંદેલમાં એટીએમ તોડ્યા બાદ સાઈરન ગુંજી ઉઠતાં તસ્કરો ફરાર થયા હતા. એ પછી તેમણે પેટલાદમાં એટીએમ તોડી રૂપિયા 20.22 લાખની રોકડની ચોરી કરી હતી. આ બનાવમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને હરિયાણામાંથી એક આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, એટીએમ તોડવા સમયે તે તેના સાથીદારો સાથે આવ્યો નહોતો. પરંતુ તેની કારનો ઉપયોગ થયો હતો. આ માટે તેને રૂપિયા સાત હજાર ભાડું અને રૂપિયા 50 હજાર કામ પૂર્ણ થયા બાદ ચૂકવાયા હતા.

આ અંગે વાત કરતાં પેટલાદ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, હરીયાણાના નોહ જિલ્લાના પુનહાન તાલુકામાં આવેલા ટન્ટ ગામ સ્થિત સીંગોર મહોલ્લામાં રહેતા હારીશ હાજરખાન મેવાતને ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તે ખંભાત જેલમાં ધકેલાયો છે. જોકે, રિમાન્ડ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ઘટના સમયે તેના અન્ય બે મિત્ર નિયામત અને વસીમ તેની કાર લેવા માટે આવ્યા હતા. કારની માલિકી તેની છે. દરમિયાન, તેઓ પરત આવ્યા એ પછી તેમણે ભાડાના રૂપિયા સાત હજાર અને ખુશ થઈને રૂપિયા 50 હજાર ચૂકવ્યા હતા. આમ, સમગ્ર ઘટનામાં તે પોતાની સંડોવણી ન હોવાનું કહે છે, પરંતુ એ શક્ય નથી, એમ પીઆઈએ વધુમાં ઉમેર્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, એટીએમ ચોરી પ્રકરણમાં તેના બે સાથીદારોના નામ પણ ખૂલતાં પોલીસની એક ટીમ બંનેની ધરપકડ કરવા સક્રિય બની છે. આગામી ટૂંક સમયમાં પોલીસની ટીમ હરિયાણા જઈ સર્ચ ઓપરેશન હાથ ધરશે.

ચોરાયેલી રોકડ રીકવર કરવાનો પડકાર
સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી રૂપિયા 20.22 લાખ જેટલી માતબર રકમ કબજે લેવાઈ નથી. ચોરાયેલી રોકડ રકમ રીકવર કરવાનો હાલ પોલીસ સમક્ષ પડકાર છે.

રાસના આરોપી પણ હજુ પોલીસ પકડથી દૂર
ચાર વર્ષ અગાઉ વિદ્યાનગર-કરમસદમાં આવેલા એસબીઆઈનું એટીએમ તોડી રૂપિયા 33.50 લાખની ચોરી કરી હતી. જોકે, આ બનાવના આરોપી હજુ પકડાયા નથી. એ જ રીતે ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ બોરસદના રાસમાં સેન્ટ્રલ બેંકનું એટીએમ તોડ્યું હતું. સાઈરન ગુંજી ઉઠતાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેને પગલે રૂપિયા આઠ લાખ જેટલી રોકડ બચી ગઈ હતી. આ બનાવના આરોપી પણ હજુ પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...