તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત બદતર:તારાપુરના ઉંટવાડાથી બુધેજને જોડતા દોઢ કિલોમીટરનો રસ્તો બિસ્માર , દર્દીઓને સારવાર માટે ઝોળીમાં લઈ જવા પડે છે

આણંદ3 મહિનો પહેલા
  • 35 વર્ષથી રોડ માટે રઝળપાટ કરતા ગ્રામજનો અને આગેવાનો
  • ગ્રામજનોની ફરિયાદ તંત્રના ભારે કાને અથડાઈ પાછી પડે છે

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના આસપાસના ગામોમાં માળખાગત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તારાપુરના ઉંટવાડાથી બુધેજને જોડતા દોઢ કિલોમીટરનો રસ્તો એટલી હદે બિસ્માર છે કે આ વિસ્તારમાં દર્દીઓને સારવાર માટે ઝોળી માં લઈ જવા પડે છે.રાજય સરકાર , ધારાસભ્ય અને સાંસદને વારંવાર રજુઆતો કરવા છતાં આ વિસ્તારના પ્રશ્નને લઇને આંખ આડા કરવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય અને સાંસદને પણ વારંવાર રજૂઆતો કરી છે
તારાપુરના ઉંટવાળાથી બુધેજ ગામને જોડતા દોઢ કિલોમીટરના કાચા રસ્તાને લઈ અહીંના ગ્રામજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સંબંધિત તંત્રને ગ્રામજનોની વારંવાર ની રજૂઆતો છતાં હજુ સ્થિતિ સુધરી નથી.બદ થી બદતર આ હાલત રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો ના ખોખલા દાવા ની પોલ ખોલી રહ્યો છે. આ અંગે સરપંચ સુમિત્રાબેને જણાવ્યું હતું કે આ માર્ગના નિર્માણ માટે સંબંધિત તંત્ર અને ધારાસભ્ય અને સાંસદને પણ વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.

ચોમાસા દરમિયાન કાદવ કિચ્ચડથી હાલત બદતર

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઉંટવાડા ગામના લોકોએ આઝાદી બાદ નથી જોયો ડામર રોડ ઉંટવાડા થી બુધેજ ગામને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો વર્ષોની માંગ બાદ નહીં બનતા અહીંના લોકોને ચોમાસા દરમિયાન કાદવ કિચ્ચડ વચ્ચે રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં કોઈ બીમાર પડે તો આ જગ્યા માં એમ્બ્યુલન્સ તો દૂર પણ ટ્રેકટર પણ પહોંચી શકતું નથી.જ્યારે બાઈક તો ઢસડાઈ જ પડે છે. આ વિકટ પરિસ્થિતિને લઈ કોઈ દર્દીને સ્થાનિકોની મદદથી ચાદરની કે ચોરસાની જોળી બનાવી તેમાં બેસાડી દવાખાના સુધી પહોંચાડવાના દ્રશ્યો અહીં રોજ જોવા મળે છે ઉંટવાડા ગામના આ વિસ્તારના લોકો પશુપાલન પર નિર્ભર હોય પશુઓ માટેનો ચારો કે દાણ પણ કીચડ ખૂંદી પશુપાલકોને રસ્તાના અભાવે લઈ જવો પડતો હોય છે .

આ માર્ગ માટે સ્થાનિકો દ્વારા અને અન્ય આગેવાનો દ્વારા અનેક જગાએ રજૂઆત થઈ છે.જ્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ સરકારમાં દરખાસ્ત કરી હોવા છતાં આ માર્ગ પાકો નહીં બનતા અહીંના લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સત્વરે આ માર્ગ બને તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...