નિર્ણય વિના જ મિટિંગ સમાપ્ત:દલિત વિદ્યાર્થીના પ્રવેશ મુદ્દે મળેલી મિટિંગ કોઈ નિર્ણય વિના જ સમાપ્ત

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ અરજીઓ પરત ખેંચી લેવાની યુનિવર્સિટી સત્તાધીશોની મમત

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડીના દલિત વિદ્યાર્થી કાંતિ મકવાણાની રજૂઆતને સાંભળવા માટે યુનિવર્સિટીની રજિસ્ટાર ઓફિસમાં ગુરૂવારે સવારે 11 કલાકે રજિસ્ટાર સહિત 10 સભ્યોની હાજરીમાં મિટિંગ યોજાઈ હતી. જોકે, આ મિટિંગ કોઈ પણ નિર્ણય વિના જ સમાપ્ત થઈ ગઈ હતી.

વિદ્યાર્થી કાંતિ મકવાણાએ અગાઉ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ હેડ જીગીષ પંડ્યા દ્વારા તેમનું જાતિવાચક શબ્દ બોલી તેને અપામાનિત કરાયો હોવાની લેખિતમાં અરજી કરી હતી. જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ વિદ્યાનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરતાં જીગીષ પંડ્યા સહિતના લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સમગ્ર ઘટનાઓ એક પછી એક આકાર લેતાં આખરે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા બે દિવસ અગાઉ વિદ્યાર્થીને જાણ કરી તેની રજૂઆતને સાંભળવા માટે તત્કાલ એક મીટીંગ બોલાવવામાં આવી હતી.

આ મિટિંગમાં રજિસ્ટાર ભાઈલાલભાઈ પટેલ, હેડ જીગીષ પંડ્યા, પ્રોફેસર આર. મકવાણા, ઈલા મેકવાન, બલદેવ આગજા સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યાં વિદ્યાર્થીની રજૂઆતને સાંભળ્યા બાદ તેમનો એક જ સૂર એવો રહ્યો હતો કે, વિદ્યાર્થીએ એટ્રોસીટી સહિતની કરેલી અરજીઓ પાછી ખેંચવામાં આવે તો જ સમગ્ર મામલે કંઈ અંતિમ નિર્ણય લેવાય.

બીજી તરફ વિદ્યાર્થીએ પણ પોતાના કારકિર્દી સંબંધે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે પછી જ તે કંઈ નિર્ણય લેશે, એમ જણાવ્યું હતું. છેલ્લે મીટીંગ મળવા સંદર્ભે એક કોરા કાગળ પર યુવકને સહી કરવાનંુ કહેતાં તેણે તે કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. સમગ્ર મામલે ભાઈલાલભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો. જ્યારે બીજી તરફ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે રિપોર્ટ બાદ જ કંઈ કહી શકાશે તેમ જણાવ્યું હતું.

ચાલુ મીટીંગમાં જ બે પ્રોફેસરો વચ્ચે તુ-તું મૈ-મૈ થઈ
મિટિંગમાં જીગીષ પંડ્યા દ્વારા ડીઆરએસીની મિટિંગમાં વિદ્યાર્થી હાજર જ રહ્યો નથી તેથી તેનો પ્રવેશ રદૃ કરાયો છે તેવી દલીલ કરાઈ હતી. જોકે, બલદેવ આગજા દ્વારા મીટીંગ ક્યા મળી તેના કોઈ આધારભૂત દસ્તાવેજો હોય, એજન્ડા કે ઠરાવ હોય તો તે આપો તેમ કહેતાં જ બંને વચ્ચે ચકમક થઈ હતી. જોકે, બાદમાં અન્ય પ્રોફેસરો અને રજિસ્ટાર વચ્ચે પડતાં મામલો થાળે પડ્યો હતો.

કોઈ હોદૃો ન ધરાવતાં ભીમસેનાના અધ્યક્ષને મિટિંગમાં હાજર રખાતા આશ્ચર્ય
સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુરૂવારે મળેલી મિટિંગમાં ભીમસેનાના અધ્યક્ષ હર્ષદ રોહિતને હાજર રખાતાં યુનિવર્સિટી સંકુલમાં સહુ કોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે, હર્ષદ રોહિત યુનિવર્સિટીમાં સિન્કીડેટ કે સેનેટમાં કે પછી શિક્ષણ જગતમાં એવો કોઈ હોદૃો ધરાવતા નથી. તો પછી તેમને હાજર રાખવા પાછ‌ળનું કારણ શું ? હાલમાં દલિત વિદ્યાર્થીના પ્રકરણનો અંત લાવવા અધ્યક્ષને હાથો બનાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...