અપહરણ:સુરતથી અપહરણ કરાયેલા વેપારીને વાસદ પાસે છોડાવ્યો,વાસદ પોલીસે નાકાબંધી કરી ગાડી રોકી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પુત્ર સહિત બેની ધરપકડ કરવામાં આવી

સુરત શહેરથી મરી-મસાલાના વેપારીનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી બે શખસો ભાગ્યા હતા. આ અંગે વાસદ પોલીસને મેસેજ મળતાં નાકાબંધી કરી હતી અને સોમવાર સાંજે ફિલ્મીઢબે ગાડી રોકી અપહૃત વેપારીને છોડાવ્યો હતો. જ્યારે અપહરણકર્તા પોલીસ પુત્ર સહિત બેની ધરપકડ કરી હતી.

વાસદ પોલીસે અપહત યુવકને મુક્ત કરાવ્યો
વાસદ પોલીસ સ્ટેશન ટેલીફોન વર્ધી મળી હતી કે, બલેનો ગાડી નં.જીજે 01 એચએક્સ 8449માં સુરતથી એક યુવકનું અપહરણ કરીને બે શખ્સો ભાગ્યાં છે. જેથી વાસદ પોલીસે ટોલનાકે જરૂરી નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન ગાડી નં.જીજે 1 એચએક્સ 8449ને અટકાવી હતી અને તુરંત કારને કોર્ડન કરી અપહરણ કરાયેલા શખ્સને છોડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અપહરણકર્તા બે શખસની સ્થળ પર અટક કરી તેમને સુરત પોલીસને હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પુત્ર સહિત બે આરોપીઓની ધરપકડ
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદમાં મરી મસાલાનો વેપાર કરતાં પ્રતિક પરષોત્તમ પાઘડાર (રહે.એ-24, ખોડિયારબાગ સોસાયટી, અમદાવાદ)ના વેપારમાં જય હસમુખ માકડીયા (રહે.મહુડી પોલીસ હેડ ક્વાટર્સ, રાજકોટ) અને હિરેન રણછોડ પટેલ (રહે.ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ, રાજકોટ)એ કુલ રૂ.28 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ પ્રતિક પર દેવુ થઇ જતાં તે વાયદા પ્રમાણે નાણા ચુકવી શક્યો નહતો. આથી, તે સુરતમાં છુપાઇ ગયો હતો. દરમિયાનમાં નાણા આપનારા જય અને હિરેન તેને શોધતા શોધતા સુરત પહોંચ્યાં હતા અને તેનું ત્યાંથી અપહરણ કર્યું હતું. આ કેસમાં પકડાયેલો જય માકડીયાના પિતા હસમુખ માકડીયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...