આણંદ પાસેના વડોદમાં પૈસાની લેતી-દેતીમાં પડોશીએ જ આઠ વર્ષના માસૂમ બાળક નયનની હત્યા કરી નાંખી હતી. જોકે, સમગ્ર બનાવમાં પોલીસે ગણતરીના કલાકમાં જ માસૂમની હત્યા કરનારા પાડોશી આધેડ કનુ જશ ચાવડાને ઝડપી પાડ્યો હતો. દરમિયાન, પોલીસ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન, શુક્રવારે સવારે આરોપી કનુ ચાવડાના મકાનના બીજા માળે આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાને પગલે ગામમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને કોઈ હિંસક ટોળાંએ બીજા માળે આગ લગાવી હોઈ શકે છે. નોંધનીય છે કે, ઘટના બની ત્યારે નીચેના ભાગે આરોપીના પત્ની અને બાળકો હતા. તેઓ બનાવ બનતાં જ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
આ વાતની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરાતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. જોકે, સમગ્ર ઘટના સંદર્ભે વાસદના પીએસઆઈ પી. જે. પરમારે જણાવ્યું હતું કે, હાલમાં ઘર સળગાવ્યું હોય તેવા કોઈ પુરાવા સામે આવ્યા નથી, સળગ્યું છે. સમગ્ર બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.