આચારસંહિતા:SP યુનિવર્સિટી નો પદવીદાન સમારોહ મુલત્વી રખાશે, આગામી 15 ડિસેમ્બરના રોજ કાર્યક્રમ યોજાવાનો હતો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિને સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ દર વર્ષે 15મી ડિસેમ્બરના રોજ યોજાય છે. જોકે, ચાલુ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થવાની છે અને આ માટે ચૂંટણી વિભાગ દ્વારા 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવવાની જાહેરાત કરી દીધી છે ત્યારે આચારસંહિતાને પગલે 15મી ડિસેમ્બરે યોજાનારો પદવીદાન સમારોહ મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ દર વર્ષે 15મી ડિસેમ્બરે યોજાતો હોય છે.

જોકે, ચાલુ વર્ષે ચૂંટણી વિભાગ દ્વારા ગુજરાતમાં 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની અને એ પછી 21મીના રોજ તેનું પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે. જોકે, વિભાગ દ્વારા ચૂંટણીઓ જાહેર કરવામાં આવતાં જ હાલ હવે આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જોકે, તેને લઈને યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હાલમાં સમગ્ર કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો છે. જોકે, તારીખ હાલ નક્કી નથી. પરંતુ ચૂંટણીઓ પૂર્ણ થાય એ પછી જ સમારોહ યોજાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પણ વિધાનસભાની ચૂંટણીઓને લઈને પદવીદાન સમારોહ મુલત્વી રાખવામાં આવ્યો હતો.

અતિથિપદે મુખ્યમંત્રી ICCRના ચેરમેન હાજર રહેવાના હતા
વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 15મી ડિસેમ્બરે જે પદવીદાન સમારોહ યોજાવવાનો હતો તેમાં અતિથિપદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આઈસીસીઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન)ના ચેરમેન વિનયભાઈ સહસ્ત્રબુદ્ધે ઉપરાંત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી હાજર રહેવાના હતા. જોકે, હવે કાર્યક્રમમાં ફેરફાર થતાં તેમના કાર્યક્રમોમાં પણ ફેરફાર થશે.

અન્ય સમાચારો પણ છે...