તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઠગ ટોળકીએ નડિયાદના સો-મીલ માલીકની રૂ. 8.25 કરોડની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ કર્યાં

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે દસ્તાવેજનું વેરીફિકેશન કરવા મોકલતા છેતરપિંડીનો ભાંડો ફુટ્યો

આણંદના છ લોકોએ કરમસદના એક વ્યક્તિને વારસામાં મળેલી 65 ગુંઠા જમીન વેચાણ રાખવાની છે, તેમ કહી બાનાખત માટે સબ રજીસ્ટ્રારમાં બોલાવ્યાં હતાં. બાદમાં આ છ શખસે ભળતી વ્યક્તિનો ઉપયોગ કરી બારોબાર દસ્તાવેજ કરી કુલ રૂ.8.25 કરોડની છેતરપિંડી આચરી હતી. જોકે, આ બાબતે અંધારામાં રહેલા જમીન માલીકને સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે દસ્તાવેજના વેરિફીકેશન માટે બોલાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ અંગે જમીન માલીકે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કરમસદ ખાતે 65 ગુંઠા જમીન વારસામાં મળી હતી

નડિયાદના ખાતે રહેતા અને સો મીલના માલીક નરસિંહભાઈ ગોવિંદભાઈ પટેલને કરમસદ ખાતે 65 ગુંઠા જમીન વારસામાં મળી હતી. આ જમીન તેઓએ વેચવા કાઢી હતી. તેમાં ડિસેમ્બર-2020માં તેમના વકિલ મિત્ર નરેશભાઈ રાઠોડે જમીન વેચવા માટે નિલેશ રમણભાઈ પટેલ ઉર્ફે લાલાભાઈ તબેલાવાળા (રહે. બાકરોલ)ને જમીન લેવાની છે તેમ કહ્યું હતું. નિલેશનો વહીવટ અનીશ ઇનુસભાઈ વ્હોરા કરે છે. તેની સાથે બેઠક યોજવાનું નક્કી કર્યું હતું.

એકાદ બે બેઠક બાદ રૂ.8,25,30,000માં જમીનનો સોદો નક્કી થયો

જે બાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અનીશ વ્હોરાની ઓફિસે બેઠક યોજી હતી. તે સમયે શ્યામલ ઉપેન્દ્ર ઠાકર (રહે.શિવ કોમ્પ્લેક્સ,આણંદ), અનીશ ઇનુસ વ્હોરા, રહિશ યુનુસ વ્હોરા (રહે.શમા બંગ્લોઝ, આણંદ)નો પરિચય થયો હતો. આ શખસોએ નરસિંહભાઈની જમીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. એકાદ બે બેઠક બાદ રૂ.8,25,30,000માં જમીનનો સોદો નક્કી થયો હતો.

વિશ્વાસમાં લઇ જરૂરી દસ્તાવેજો પર અંગુઠા લેવડાવી દીધા

આ સમયે વેચાણ કિંમતના 50 ટકા રકમ રજીસ્ટ્રર વેચાણ બાનાખત વખતે આપવાનું નક્કી થયું હતું અને બાકીની રકમ વેચાણ દસ્તાવેજ કરતા પહેલા ત્રણ માસમાં ચુકવી આપવાનું નક્કી થયું હતું. આથી, વિશ્વાસમાં આવેલા નરસિંહભાઈએ સોદો નક્કી કર્યો હતો. આ વિશ્વાસ આધારે 23મી ડિસેમ્બર,2020ના રોજ વેચાણ બાનાખત કરવા માટે આણંદ કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયાં હતાં. જ્યાં ઠગ ટોળકીએ નરસિંહભાઈને વિશ્વાસમાં લઇ તેઓ પાસે તમામ જરૂરી દસ્તાવેજો અને અંગુઠા લેવડાવી દીધા હતા.આ સમયે ઠગ ટોળકીએ ટોકન લીધું છે, જે બીજા દિવસે ચાલુ રહેશે. હાલ કચેરીનો સમય પુરો થઇ ગયો છે. જેથી આવતીકાલે બાનાખત કરીશું. તેમ કહી છુટા પડ્યાં હતાં.

અનીશે વેચાણ બાનાખત તૈયાર કરી આપી હતી

24મી ડિસેમ્બરના રોજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ બાનાખત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ફરી ભેગા થયા હતા. આ સમયે અનીશે જણાવ્યું હતું કે, તમારા પાવરનું નોટરી પબ્લીક ડિકલેરેશન કરાવવું પડશે. તેમ કહી પાવરનું ડિકલેરેશન કરાવ્યું હતું. જેની અસલ કોપી અનીશએ રાખી હતી. તેની ઝેરોક્ષ કોપી નરસિંહભાઈને આપી હતી. અનીશે વેચાણ બાનાખત તૈયાર કરી આપી હતી. પરંતુ ટોકનની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે, વેચાણ બાનાખત થઇ શકશે નહીં. નવા ટોકનની તારીખ જ્યારે અમને મળશે ત્યારે તમને બોલાવીશું. તેમ કહી બાનાખતની અસલ કોપી આપી હતી.

અમારા પર વિશ્વાસ રાખો તેમ કહી છુટા પડ્યાં

આ સમયે પૂર્વે નક્કી થયા મુજબ નરસિંહભાઈએ 8.25 કરોડની અડધી રકમ માંગણી કરતા તેઓએ બાનાખત કરતા પહેલા તમને પચાસ ટકા રકમ ચુકવી આપીશું. અમારા પર વિશ્વાસ રાખો તેમ કહી છુટા પડ્યાં હતાં. જોકે, બાદમાં અવાર નવાર અનીશભાઈને ફોન કરી જણાવ્યું કે બાનાખત ક્યારે કરો છો ? તેવી વાત કરતા તેઓ કહેતા હતા કે આ જમીનમાં બીજા આઠ ગુંઠાના સહમાલીકો છે, તેમની સાથે દસ્તાવેજ કરવાનો છે. તેઓની સાથે વાત ચાલે છે. તેમનો દસ્તાવેજ પતી જશે ત્યારબાદ તરત જ અમો તમને બોલાવી વેચાણ બાનાખત કરી લઈશું. તેવી વાત કરતા હતા.

દસ્તાવેજ જોઇ નરસિંહભાઈ ચોંકી ગયાં

મહત્વનું છે કે આ દરમિયાનમાં આણંદના સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટર દ્વારા 16મી જાન્યુઆરી, 2021ના રોજ નરસિંહભાઈને પાવર બાબતે ખુલાસો કરવા માટે નોટીસ આપી કચેરીમાં રૂબરૂ બોલાવવામાં આવ્યાં હતાં. જેથી નરસિંહભાઈ સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં ગયાં હતાં. આ સમયે 29મી ડિસેમ્બર,2020નો દસ્તાવેજ બતાવ્યો હતો. આ સમયે વેચાણ દસ્તાવેજમાં પાવરનો ઉપયોગ કર્યો છે, તે સાચો છે કે ખોટો ? તે જાણવા માટે નોટીસ આપી છે. આ દસ્તાવેજ જોઇ નરસિંહભાઈ ચોંકી ગયાં હતાં. દસ્તાવેજમાં વેચાણ રાખનાર તરીકે શ્યામલભાઈ ઉપેન્દ્રભાઈ ઠાકર લખ્યું હતું.

બીજી જ વ્યક્તિને ઉભા રાખી જમીનનો ખોટો દસ્તાવેજ કરી લીધો

આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણી જતા નારસિંહભાઈએ કચેરીનું વીડિયો રેકોર્ડીંગ માગ્યું હતું. જે જોતા તેમાં નરસિંહભાઈની જગ્યાએ બીજી જ વ્યક્તિને ઉભા રાખી જમીનનો ખોટો દસ્તાવેજ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. આથી, શ્યામલ ઉપેન્દ્ર ઠાકર (રહે.શિવ કોમ્પ્લેક્સ, મઠીયા ચોરા, આણંદ), અનીશ ઇનુસ વ્હોરા (રહે.શમા બંગ્લોઝ, કિર્તી પાર્ક સોસાયટી, સો ફુટ રોડ, આણંદ), રહિશ ઇનુસ વ્હોરા (રહે. શમા બંગ્લોઝ, કિર્તી પાર્ક સોસાયટી, સો ફુટ રોડ, આણંદ), નિલેશ રમણભાઈ પટેલ ઉર્ફે લાલાભાઈ તબેલાવાળા (રહે. લાંભવેલ રોડ, બાકરોલ), વસીમ ઇનુસભાઈ વ્હોરા અને એક જાણ્યા શખસે સામે નરસિંહભાઇએ ફરિયાદ આપતા વિદ્યાનગર પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...