દુ:ખદ:પેટલાદમાં ઘર પાસે રમતાં બાળકને કારે ટક્કર મારતાં મોત, ત્રણ વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સીસીટીવી કેમેરા આધારે અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી

પેટલાદના આશાપુરી રોડ પર રહેતા પરિવારનો 04 વર્ષીય બાળક શુક્રવારના રોજ ઘર પાસે રમતો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી કારે ટક્કર મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ટાઉન પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના આશાપુરી રોડ પર રહેતા રમેશભાઈ સવજીભાઈ તળપદાનો પૌત્ર શાહિલ ભરતભાઈ (ઉ.વ.4) શુક્રવારની રાતે ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થયેલી અજાણી કારે શાહિલને હડફેટે ચડાવતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતથી હતપ્રભ પરિવારજનો શાહિલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયાં હતાં. પરંતુ તેનુ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું.

આ અંગે પેટલાદ શહેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે સીસીટીવી કેમેરા આધારે શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શાહિલના પિતાનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું હતું. તે તેના દાદા સાથે રહેતો હતો. દરમિયાનમાં તે પણ અકસ્માતનો ભોગ બનતા પરિવારજનો શોકમગ્ન બની ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...