ખંભાત કોમી હુલ્લડ:સંડોવણી સાબિત ન થાય એ માટે પરિવારજનોને બહારગામ મોકલી દીધાં હતાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ કોમી એખલાસ જતાવવા સોશિયલ મીડિયા પર વીડિયો પણ અપલોડ કર્યા હતા

ખંભાતમાં રામનવમી નિમિત્તે થયેલા પથ્થરમારો બાદ દિન પ્રતિદિન અવનવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે જેમાં ખાસ તો આરોપીઓએ કોમી એખલાસ જતાવવા માટે જાણે તેઓ પ્રશાસનને મદદ કરી રહ્યા છે તેમ બતાવવા સોશિયલ મીડિયા પર વિડિયો પણ અપલોડ કર્યા હતા અને પોતાની સંડોવણી સાબિત ન થાય તે હેતુસર પરિવારજનોને બહારગામ મોકલી દીધા હતા.

જોકે, પોલીસ દ્વારા તમામ આરોપીઓના મોબાઈલ લોકેશન અને સંપર્કોની તપાસ કરતાં તમામ લોકો આરોપીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું પણ ખૂલ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા અન્ય શખસોને રાઉન્ડ અપ કરી ધરપકડની કવાયત હાથ ધરી છે.

રાજકીય અગ્રણીઓએ સાંત્વના પાઠવી
દરમિયાન, બીજી તરફ પથ્થરમારાની ઘટનામાં મોતને ભેટેલા મૃતક કનૈયાલાલ રાણાના શોકાતુર પરિવારને સાંત્વના આપવા રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સંતો અને મહંતો ગુરૂવારે તેઓના ઘરે પહોંચ્યા હતા. રાજકીય અગ્રણીઓ સહિત સાધુ-સંતોએ શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી. નોંધનીય છે કે, મૃતકની શ્રદ્ધાંજલિ સભા પણ ગુરૂવારે યોજાઈ હતી.

ન્યાયિક તપાસ કરવા ગૃહમંત્રીને રજૂઆત
જેમાં ગુજરાતના સંતો જેમાં છગનબાપા મહારાજ, બાલેશાહ મંદિર, ખંભાત, દામોદરદાસજી મહારાજ, સંત સમિતિ મહામંત્રી રામજી મંદિર, કરખર, મોરારીદાસજી સંતરામ મંદિર કરમસદ, અખિલ ભારત સંત સમિતિ પ્રમુખ, નૌતમદાસજી મહારાજ, યોગીનાથજી મહારાજ ખેડા, ધર્મનંદન સ્વામી ખંભાત સ્વામિનારાયણ મંદિર હાજર રહ્યા હતા.

સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસ કરી દોષિતોને કડક સજા કરવાની માંગ તેમણે કરી હતી. બીજી તરફ સ્થાનિક આગેવાનો દ્વારા પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી યોગ્ય ધનરાશી મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆતો કરી હતી.

ખંભાત શહેર PIને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા
ખંભાત કોમી હુલ્લડ થયા બાદ કાયદો વ્યવસ્થા કથડતાં આણંદ જિલ્લા પોલીસવડા અજિત રાજયન દ્વારા તાત્કાલિક ખંભાત શહેર પીઆઇ એમ.જે.ચૌધરીને લીવ રિઝર્વમાં મૂકવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશના પીઆઇ આર.એન. ખાંટને ખંભાત ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ખંભાત ગ્રામ્યનો ચાર્જ કે.કે.દેસાઇ સોંપવામાં આવ્યો છે.