અકસ્માત:ઓડ પાસે ચાલકે કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી: એકનું મોત

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર રાજસ્થાન વતનમાં જતા સમયે ઘટના બની

ઉમરેઠ તાલુકાના ઓડ ગામ પાસે રાજસ્થાન વતનમાં જઈ રહેલા પરિવારની કારને અકસ્માત નડતાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ જણાંને ગંભીર ઈજા પહોંચી હતી. મૂળ રાજસ્થાનના પરંતુ હાલમાં નવસારી જિલ્લાના રામગનર ખાતે 55 વર્ષીય પુરૂષોત્તમલાલ ભગવાનરામ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. તેઓ ફ્લોરિંગનું કામકાજ કરી જીવન ગુજરાન ચલાવે છે. મંગળવારે સવારે પાંચ વાગ્યે તેઓ પોતાના વતન રાજસ્થાન જવા નીકળ્યા હતા. એ સમયે તેમની સાથે તેમની પત્ની કોયલદેવી (ઉ.વ-50) ત્રણ દીકરીઓ અનીતાબેન, ડીપનાબેન અને કિંજલબેન પણ હતા.

તેઓ સુરત બાયપાસ થઈ વડોદરાથી સાવલી થઈ ઓડ ચોકડી પસાર કરીને ઓડ ઉમરેઠ રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા. દરમિયાન, કાર ચાલક પુરૂષોત્તમલાલે પોતાની કારના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ગટરમાં ઉતરી ગઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પુરૂષોત્તમલાલ ઉપરાંત કારમાં બેઠેલા કોયલદેવીને માથામાં તેમજ પગમાં ગંભીર ઈજા થઇ હતી.

જ્યારે ડીપનાબેનને માથામાં અને પીઠમાં અને કિંજલબેનને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતા જ આજુબાજુમાંથી લોકો એકઠાં થઈ ગયા હતા. અને ગંભીર ઈજા પામેલા કોયલદેવી અને બંને પુત્રીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કોયલદેવીનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...