આણંદ સામરખા ચોકડી નજીક આવેલા આનંદ મેરેજ હોલ પાસે રવિવાર બપોરના સમયે પુરઝડપે જઈ રહેલા પીકઅપ ડાલુ ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતાં પીકઅપ ડાલુ ધડાકાભેર ઝાડ સાથે અથડાતાં ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના બેડવા ગામના રહીશ વિજયભાઈ રાજાભાઈ ભરડા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ત્યાં ગામડી ગામના દીપકકુમાર ભરતસિંહ વાઘેલા છેલ્લાં ચાર મહિનાથી મારુતિ સુપર કેરી પીકઅપ ડાલુ નંબર જી.જે.23 એ.ટી.1686 ચલાવતાં હતાં. રવિવાર સવારના આઠેક વાગ્યાના સમયે આણંદ ચીખોદરા ચોકડી પાસે આવેલા શારદા સ્ટીલ માંથી દીપકકુમાર વાઘેલા પીકઅપ ડાલુમાં લોખંડની પ્લેટો ભરી ડાકોર ડિલિવરી આપવા નીકળ્યાં હતાં.
મહત્વનું છે કે આ સમય દરમ્યાન દિપકકુમાર આણંદ સામરખા ચોકડી આનંદ મેરેજ હોલ પાસેથી પસાર થતાં હતા ત્યારે તેઓએ અચાનક પીકઅપ ડાલુના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં પીકઅપ ડાલુ ઝાડની સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે 44વર્ષીય દીપકકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિજયભાઈ ભરડાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.