આણંદ જિલ્લા પંચાયત ખાતે તાજેતરમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતીરાજના ચૂંટાયેલ પદાધિકારીઓ સાથે આરોગ્યલક્ષી અધિવેશન યોજાયુ હતું. આ પ્રસંગે હંસાબેન પરમારે આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વિસ્તારી છેવાડાના ગામડાંઓ સુધી પહોંચાડવાની સાથે જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળે તે દિશામાં કામગીરી કરવાનું જણાવ્યું હતું. તેમજ આરોગ્યલક્ષી કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હેમાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી આરોગ્યલક્ષી કામગીરીની ચર્ચા કરી હતી.
આ અધિવેશનના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેઘા મહેતાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી અધિવેશનની રૂપરેખા અને વિવિધ આરોગ્યલક્ષી કામગીરીની વિગતો આપી હતી. અધિવેશનમાં ઉપસ્થિત પદાધિકારીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ, પોલિયો રસીકરણ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ ઓપરેશનની વિગત, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કરવામાં આવી રહેલ કોમ્યુનિટી સ્ક્રીનિંગની વિગતો, મેલેરિયા, તમાકુ નિયંત્રણ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી, આરોગ્યલક્ષી તાલીમ, ફિલ્ડ વિઝીટની કામગીરી, કોવિડ-19 પૂર્વ તૈયારી માટે કરવામાં આવેલ આયોજન, આર.બી.એસ.કે. ટીમ દ્વારા જિલ્લામાં નાના બાળકોના કરવામાં આવી રહેલા સ્ક્રીનીંગ તથા ખોડ-ખાંપણવાળા બાળકોના સફળતાપૂર્વક કરવામાં આવેલ ઓપરેશન, ટી.બી. વિભાગ દ્વારા ટી.બી. દર્દીઓને આપવામાં આવી રહેલ પોષક આહાર કિટ વિતરણની પણ વિગતો આપી હતી.
આ અધિવેશનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજય પટેલ,કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપ પટેલ તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.