તસ્કરો બેફામ:આંકલાવની ચીલઝડપનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં આણંદના જ્વેલર્સમાં ગઠિયાઓએ કસબ અજમાવ્યો

આણંદ7 મહિનો પહેલા
  • આણંદમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખસો બે લાખ ઉપરાંતની રકમના દાગીના સેરવી

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલી હર્ષિદા જ્વેલર્સ પર ગ્રાહકોના સ્વાંગમાં આવેલા બે ગઠિયા સોનાના પેન્ડલ ખરીદવાના બહાને બે લાખ ઉપરાંતની રકમના દાગીના સેરવી ફરાર થઈ ગયાં હતાં. આ શખ્સોએ વેપારીને અન્ય ડિઝાઇનના પેડલ લેવા બહાર મોકલ્યા બાદ કારીગરની નજર ચુકવી ચોરી કરી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે. જોકે, મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ દાખલ થઇ નહતી.

આણંદ શહેરના લોટીયા ભાગોળમાં હર્ષિદા જ્વેલર્સ આવેલું છે. આ જ્વેલર્સના માલીક ભરતભાઈ સોલંકી લગ્ન પ્રસંગે બહાર હોવાથી મંગળવારના રોજ માત્ર કારીગર હાજર હતાં. દરમિયાનમાં દસેક વાગ્યાના સુમારે બે શખ્સ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સ પર આવી પહોંચ્યાં હતાં. તેઓએ સોનાના પેન્ડલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી, કારીગરે તુરંત ભરતભાઈને જાણ કરતાં તેઓ દાગીનાની પેટી લઇને દુકાને આવી પહોંચ્યાં હતાં. જોકે, થોડો સમય આમતેમ પેન્ડલ જોયા બાદ નાપસંદગી દર્શાવી હતી.આ ઉપરાંત પત્નીને ગીફ્ટ કરવાની હોવાનું બહાનુ બતાવી બીજા જ્વેલર્સ પરથી અન્ય ડિઝાઇનના પેન્ડલ લાવી આપવા દબાણ કર્યું હતું. આથી, ગ્રાહકને સાચવવા માટે ભરતભાઈ તુરંત બહાર નિકળ્યાં હતાં.

આ તકનો લાભ લઇ બન્ને ગઠિયાએ ફરીથી સોનાની પેટીમાં પેન્ડલ જોવાનું શરૂ કર્યું હતું. આ સમયે હાજર કારીગરની નજર ચુકવી તેઓએ ઝુમ્મરવાળી બુટ્ટીનું બોક્સ ઉઠાવી લીધું હતું. જેમાં છ બુટ્ટીઓ કિંમત રૂ.2 લાખ ઉપરાંતની હતી. આ બે લાખનું બોક્સ ઉઠાવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેઓએ ચાલતી પકડી હતી. આ બાબતથી અજાણ કારીગર પણ કામે લાગ્યો હતો.

મહત્વનું છે કે, આ દરમિયાન ભરતભાઈ પરત આવી જતા અને ગ્રાહકને ન જોતા તેઓ વિસામણમાં મુકાયા હતા. આથી ઘરેણાની બેગમાં તપાસ કરતાં તેમાંથી છ બુટ્ટીઓ ભરેલું આખું બોક્સ ગાયબ હતું. જેથી સમજાઈ ગયું કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા જ ચોરી કરી ગયા છે. જોકે, આ બાબતે ભરતભાઈએ બુધવાર મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ આપી નહતી. પરંતુ પોલીસે મામલાની ગંભીરતાથી લઇ સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે.

ચાલતાં જ આવ્યા હતા તેને કારણે કંઈ ખબર પડી નથી
બંને શખસો ચાલત જ આવ્યા હતા. આસપાસમાં પણ અમે પૂછપરછ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો. વધુમાં તેમણે ટોપી અને મોઢે માસ્ક પહેરી રાખ્યું હતું. જોકે, હાલમાં પોલીસને દુકાનના સીસીટીવીના ફૂટેજ આપ્યા છે જેમાં તેમના ચહેરા સ્પષ્ટ જણાઈ રહ્યા છે. > ભરતભાઈ સોલંકી, જવેલર્સ.

ટીમો કામ કરી રહી છે, ટૂંક સમયમાં ભેદ ઉકેલી કાઢીશું
આંકલાવ એ પછી આણંદમાં બનેલી બંને ઘટનાઓને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ભેદ ઉકેલવા પ્રયાસ કરાઈ રહ્યો છે. > અજીત રાજ્યાન, જિલ્લા પોલીસ વડા, આણંદ.

અન્ય સમાચારો પણ છે...