વડતાલ પ્રદેશ મુખ્યગાદીના પાંચ સંત લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને સત્સંગ સમાજમાં ભારે રોષ છે. સંપ્રદાયની પ્રતિષ્ઠાને બચાવવાની જગ્યાએ ઘનશ્યામ કંડારી દૂર કરવામાં નહીં આવે તો અગામી દિવસોમાં સંત આગેવાનો વડતાલ આવશે. વડતાલ સંપ્રદાયની મહિલા સત્સંગીઓએ છાજીયા કૂટીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી સંપ્રદાય સુધારાની લડત ચલાવી રહેલા સત્સંગ સમાજ આગેવાન રાકેશ પટેલે આપી છે.
છેલ્લા ઘણા દિવસોથી કંડારી ગુરુકુળના માલિક ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી ઉર્ફે વેળાવદર વાળા વિનુભાઈ ઘોઘારી ઉપર એમના જ શિષ્ય વેદાંતવલ્લભદાસ સ્વામીએ દુષ્કર્મોનો જે આરોપ લગાવ્યો છે તેનાથી સમસ્ત સત્સંગ સમાજ ખૂબ જ આઘાતમાં છે. તેમ છતાં આજ દિન સુધી આપણા સંપ્રદાયના બની બેઠેલા સંત જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, પૂજ્ય બાપુ સ્વામી ધંધુકા, નીલકંઠચરણદાસજી સ્વામી કલાકુંજ મંદિર સુરત, નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધાર, રામકૃષ્ણ સ્વામી ધોલેરા તરફથી એક પણ નિવેદન આવ્યું નથી. તેને લઇને સત્સંગ સમાજમાં ભારે નારાજગી છે. જો ઘનશ્યામ કંડારી ઉર્ફે વિનુ ઘોઘારીને સંપ્રદાયમાંથી દૂર કરવામાં નહિ આવે અને આ સમગ્ર ઘટના પર બંધ બારણે પરદો પાડી દેવામાં આવશે તો પાંચ વિદ્વાન સંતો જયારે પણ વડતાલ આવશે ત્યારે સંપ્રદાયના મહિલા સત્સંગીઓ એમના છાજીયા લઈને વિરોધ કરશે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી પર આરોપ મૂકનારા તેમના જ શિષ્ય વેદાંતવલ્લભદાસ સ્વામી છેલ્લા કેટલાક દિવસથી ગાયબ છે. તેઓ ધંધૂકા ગુરુકુળ કે કુંડળ ગામે હોવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.