એસટી નિગમના કર્મચારીઓના 23 જેટલા પડતર મુદ્દાનું સમાધાન આગામી 8મી સુધીમાં નહી આવે તો તા. 9 થી 18 સુધીનો આંદોલન કાર્યક્રમ એસટી ત્રણેય કર્મચારી યુનિયને ઘડ્યો છે . ત્યારે આણંદ એસ.ટી ડેપોના 650 ઉપરાંત કર્મચારીઓ બાયો ચડાવી આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતમાં તાજેતરમાં મળેલી બેઠકમાં લેખિત સમાધાન થયા બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા એસટી કર્મચારી મંડળોએ 23 પડતર પ્રશ્નો માટે બાંયો ચડાવી 10 દિવસનો આંદોલન કાર્યક્રમ ઘડ્યો છે.
જેમાં તા. 9 અને 10ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે, 11 અને 12ના રોજ યુનિફોર્મ વિના ફરજ બજાવશે, 13 અને 14ના રોજ સુત્રોચ્ચાર, 14ના રોજ ટ્વિટર પર વિરોધ વ્યક્ત કરશે, આગામી 15ના રોજ કર્મચારીઓ પોતાના લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે. આગામી તા.17ની મધ્યરાત્રીથી એટલે કે તા. 18થી તમામ કર્મચારીઓ સ્વયંભુ અચોક્કસ મુદ્દત માટે માસ સીએલ ઉપર ઉતરશે તેમ આણંદ એસટી ડેપો ખાતે કર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.