ભુવા પર હુમલો:બોરસદમાં ભુવા સાથે ફરતા યુવકના શંકાસ્પદ મોત બાદ મૃતકના ભાઈએ ભુવા પર હુમલો કર્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બોરસદ તાલુકાના કંકાપુરા ગામમાં રહેતા યુવકનું ત્રણેક મહિના પહેલા શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે તેના ભાઈને ભુવા પર શંકા ગઇ હતી અને ભુવાએ જ ભાઇની હત્યા કરી હોવાની શંકા રાખી લાકડીથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી હુમલાખોર ભાઈની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.

બોરસદ તાલુકાના કંકાપુરા ગામે રહેતાં કિરણ પરમારનું 6ઠ્ઠી જુલાઇ, 21ના રોજ શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં હૃદયરોગના હુમલાથી મોત થયાનું ખુલ્યું હતું. કિરણના પરિવારજનોએ તેની મોત પાછળ ગામના ભુવા માધવસિંહ ખોડસિંહ પરમાર જવાબદાર હોવાની શંકા ઉભી થઈ હતી.મહત્વનું છે કે કિરણ છેલ્લા કેટલાક સમયથી ભુવા માધવસિંહના સંપર્કમાં હતો અને તેની દિકરીના પ્રેમમાં હોવાની વાતો ચર્ચાઇ રહી હતી.

2જી ઓક્ટોબર,2021ના રોજ કિરણનો મોટો ભાઇ સંજય કનુભાઈ પરમાર લાકડી લઇ ભુવા માધવસિંહના ઘરે ધસી આવ્યો હતો અને તમે મારા ભાઈને મારી નાંખ્યો છે, હું તમને જીવતા નહીં રહેવા દઉં. તેમ કહી લાકડીથી હુમલો કર્યો હતો. આ લાકડીના ઉપરા છાપરી બેથી ત્રણ ફટકાં માધવસિંહના માથા પર મારી દીધાં હતાં.ઉપરાછાપરી લાકડીના હુમલાને કારણે ભુવા માધવસિંહ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યાં હતાં. આ કારણે બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ભુવાજીને મારથી બચાવ્યાં હતાં.

આ સમયે પણ ઉશ્કેરાયેલા સંજયભાઈએ ધમકી આપી હતી કે, મારા ભાઈને તમે જ મારી નાંખ્યો છે. હું તમને બધાને એક એક કરીને મારી નાંખીશ. જોકે, એકત્ર થયેલા પરિવારજનોને તાત્કાલિક માધવસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે વિરસદ પોલીસે ચંપાબહેન પરમારની ફરિયાદ આધારે સંજય કનુભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલે સંભાળી છે.

માધવસિંહ ભુવા તરીકે કામમાં પ્રસિદ્ધ છે
મહત્વનું છે કે કંકાપુરામાં દુધની ડેરી પાછળ રહેતા માધવસિંહ પરમાર ખેતી ઉપરાંત મસાણી માતાજીની સેવા ચાકરી પણ કરે છે. તેમના પરિવારમાં પત્ની ચંપાબહેન ઉપરાંત સંતાનમાં બે દિકરીઓ અને બે દિકરા છે. માતાજીની સેવા ચાકરી કરતાં હોવાથી તેઓ ભુવા તરીકે ગામમાં ઓળખાતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...