ચરોતરમાં ઉત્તરાયણ પૂર્વે દોરીના કારણે પ્રથમ મોત નિપજ્યું છે. આણંદનો યુવક નડિયાદમાં બાઇક લઇને જતો હતો ત્યારે બપોરે સરદાર નગર ત્રણ રસ્તા પાસે વાયર સાથે લટકી રહેલી દોરીથી ગળુ કપાઇ જતાં મોત થયું હતું. વૃદ્ધ પિતા અને નાના ભાઇના જીવન નિર્વાહની જવાબદારી યુવક નીભાવતો હતો. તેના મોતને પગલે પિતાઅે વલોપાત કર્યો હતો કે દોરીઅે અમારી જીવાદોરી કાપી નાખી.
આણંદ તુલસી ગરનાળા પાસે તુલસી કોમ્પલેક્ષમાં રહેતા 71 વર્ષના વૃધ્ધ નવીનચંદ્ર ઠક્કરને બે દિકરા હતા. પિતાએ આખી જીંદગી લારીની ફેરી કરીને બંને દિકરાનું ભરપોષણ કરીને મોટા કર્યા હતા. મોટો દિકરો વિપુલ કમાતો થતાં નવીનચંદ્ર ઠક્કરે ફેરીનું કામ બંધ કર્યુ હતું. જ્યારે નાનો દિકરો છૂટક મજૂરી કરે છે.
વિપુલની કમાણીથી ઘરનું ભરપોષણ થતું હતું. વિપુલ પરિવાર માટે આધારસ્થંભ બની ગયો હતો. જ્યારે વૃધ્ધ પિતા માટે ઘડપણની લાકડી સમાન બની ગયો હતો. વિપુલ ઠક્કર રેલવેમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામકરીને જે કંઇ કમાતો તેમાંથી પરિવારનું ભરણપોષણ કરતો હતો, ત્યારે દોરીના કારણે તેમનો કમાઉ મોટો દિકરો વિપુલ છીનવાઈ જતાં હવે મારો સહારો કોણ બનશે. નાના ભાઇની જીવન ગાડી પાટા પર કોણ લાવશે તેમ કહીને પિતા ચોંધારા આંસુએ રડી પડ્યાં હતાં.
ચરોતરમાં ગત વર્ષે દોરીના કારણે 5 લોકોના મોત નિપજ્યાં હતા ગતવર્ષે ઉતરાયણના 15 દિવસ અગાઉથી દોરી માનવી માટે ઘાતક સાબિત થઇ હતી. જેમાં મોગરી નજીક રહેતા અને બોરસદ પંથકમાં નોકરી કરીને પરત ફરતી વખતે બોરસદ પાસે ચાઇનીઝ દોરી ઘસાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત બોરસદ અને પેટલાદ પંથકમાં ત્રણ બનાવો બન્યાં હતા. જ્યારે ખેડા જિલ્લામાં 1 વ્યકિતનું મોત નિપજ્યું હતું. તો વળી ઉત્તરાયણના પૂર્ણ થયા બાદ એક સપ્તાહથી પછી એક યુવકનો ચાઇનીઝ દોરીએ જીવ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.