• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Connection Was Broken In The House Of Three Brothers From The Same Meter In Mogar, The Brother Killed His Brother In A Quarrel Over Part Of The Light Bill.

હત્યારો ભાઈ:મોગરમાં એક જ મીટરમાંથી ત્રણ ભાઇના ઘરમાં કનેકશનને કંકાશ વેર્યો , લાઈટ બીલના ભાગ બાબતે ઝગડામાં ભાઈએ જ ભાઈનું ખૂન કર્યું

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પોલીસે હત્યારા ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના મોગર ગામે પૈસો પરિવારનો વેરી બન્યો જેવી ઘટના બની છે.સંયુક્ત રીતે એક જ મીટરમાંથી વીજળી કનેક્શન વાપરતા ત્રણ ભાઈઓ બીલ ખર્ચની ભાગે પડતી રકમ બાબતે ખૂંખાર ઝગડયા હતા.સોમવારની સાંજે લાઇટ બીલના મુદ્દે ત્રણ ભાઈના ઝઘડામાં નાના ભાઇએ ઉશ્કેરાટે ખૂંખાર સ્વરૂપ લીધું હતું.જેમાં વચેટ ભાઇને છરીનો ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. જેને સારવાર માટે આણંદ લાવવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે વાસદ પોલીસે નાના ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના મોગર ગામે આવેલા શિવજી ફળીયામાં રહેતા ત્રણ ભાઇમાં સૌથી મોટા મનુભાઈ સમસેરભાઈ ખોખર, વચેટ વિજયભાઈ સમસેરભાઈ ખોખર અને સૌથી નાનો અનિલ ઉર્ફે હુડ હુડ સમસેર ખોખર બાજુ બાજુમાં જ રહે છે. આ ત્રણેય ભાઇ વચ્ચે એક જ લાઇટ કનેકશન છે અને મીટર પણ એક જ છે. જેઓ બિલના ભાગે પડતી રકમ વહેંચી લે છે. પરંતુ 4થી ઓક્ટોબરના રોજ નમતી બપોર બાદ મનુભાઈનો પુત્ર અજય લાઇટ બીલના પૈસા લેવા માટે અનિલ પાસે ગયો હતો. આ સમયે તેણે મારા ઘર આગળથી લાઇટનો વાયર કાઢી નાખો તો જ હું લાઇટ બીલના પૈસા આપીશ. તેમ કહી લાઇટનો વાયર તોડી નાંખ્યો હતો.જે કારણે ઝઘડો થયો હતો પરંતુ આ ઝઘડો થોડી જ વાર બાદ શાંત પડી ગયો હતો.

આ દરમ્યાન નમતી બપોરે મનુભાઈ અને વિજયભાઈ બન્ને ભાઇ ઘરની સામે આવેલા ઓટલી પર બેઠા હતાં. આ સમયે અનિલ ત્યાં ધસી આવ્યો હતો અને વિજયને કહેવા લાગ્યો હતો કે, મીટરના પૈસા તે ભર્યા છે, તો આ મીટર તારા ઘરેથી કાઢી લઇ જા. આથી, વિજયે જણાવ્યું કે, જીઇબીવાળાને જાણ કરીશું. એટલે તે મીટર કાઢી આપશે. આમ કહેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા અનિલે ગડદાપાટુનો માર વિજયને મારવા લાગ્યો હતો. જોકે, મનુભાઈએ વચ્ચે પડી છોડાવ્યાં હતાં. પરંતુ અનિલ વધુ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી છરી લાવી સીધી જ વિજયના પેટમાં ઝીંકી દીધી હતી અને બીજો ઘા મારવા જતા મનુભાઈએ વચ્ચે હાથ નાખતા તે પણ ઘવાયાં હતાં.

આ મામલે મોટી કોલાહલ અને ઉશ્કેરાટ ફેલાતા મનુભાઈ અને વિજયભાઈના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને વિજયને છોડાવ્યો હતો.આ ઝઘડામાં છરીના ઉંડા ઘાથી લોહી લુહાણ હાલતમાં વિજય ત્યાં જ ફસડાઇ પડ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે મનુભાઈની ફરિયાદ આધારે વાસદ પોલીસે અનિલ ખોખર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અનિલે પણ બે ભાઇ અને ભત્રીજા સામે ભાલો માથામાં મારી દીધાની ફરિયાદ આપી

મોગરના શિવજી ફળીયામાં રહેતા ત્રણ ભાઇ વચ્ચે સોમવારના રોજ લાઇટ બીલને લઇ ઝઘડો થયો હતો. આ ઝઘગામાં અનિલે વાસદ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભત્રીજા અજય મનુભાઈ ખોખરે મારા ઘરમાં લાઇટનું કનેકશન હતું. જેનો વાયર છુટો કરી દેતા ઘરમાં લાઇટ બંધ થઇ ગઇ હતી અને ભાઈઓમાં વિજય અને મનુભાઇએ કહ્યું કે આ મીટર અમારા પૈસાનું લાવેલા છીએ. તો બિલના પૈસા આપે તો જ તને લાઇટ આપીએ. અમારે તને લાઇટ આપવી નથી. તેમ કહેતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. જોકે, બાદમાં તેઓ ઘરેથી નીકળી ગયાં હતાં. પરંતુ નમતી બપોરે ઘરે આવ્યા તે સમયે મનુભાઈ ખોખર, વિજય ખોખર અને અજય ખોખરે હુમલો કર્યો હતો. જેમાં મનુભાઈએ ભાલો માથા મારી દીધો હતો. આ ફરિયાદ આધારે પોલીસે મનુ ખોખર, વિજય ખોખર અને અજય ખોખર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અનિલના પત્ની દસ વરસથી પિયર જ રહે છે

મોગરના ત્રણ ભાઇઓમાં સૌથી નાનો અનિલ ડ્રાઇવીંગ કરે છે અને અન્ય બે ભાઇની બાજુમાં જ રહે છે. જોકે, તેના પત્ની મુમતાજબહેન તેમની ત્રણ દિકરીઓ સાથે દસ વર્ષથી તેમના પિયર બચારગામ, તા. કરણજ મુકામે રહે છે. જ્યારે અનિલ અહીં એકલો જ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...