સુચના:પાલિકા-પંચાયત સ્તરે કોરોના સહાયની કામગીરી કરવા કલેક્ટરે સુચના આપી

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં ચાર દિવસમાં 275 ફોર્મનું વિતરણ, 20 ફોર્મ ભરાઇને પરત આવ્યા

રાજય સરકારે કોરોના મૃત્ય પામનાર વ્યકિતના પરિવારને રૂા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. આણંદ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સહાયના ફોર્મ વિતરણ અને કલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી 275 ફોર્મ વિતરણ કરાયું છે. જેમાંથી ભરાઇને માત્ર 20 ફોર્મ પરત આવ્યા છે. ફોર્મ પરત આવવાના ઓછા પ્રમાણ માટે વહીવટી ગુંચ મુખ્ય હોવાનું કહેવાય છે. પરિવારજન કોરોનાથી મૃત્યુ પામ્યાનું સર્ટિફિટેક મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું કપરું છે.

અલબત્ત જિલ્લા વહીવટી તંત્રે સહાય માટેની કામગીરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવ્યો છે અને સ્થાનિક કક્ષાએ પણ આ પ્રકારે કામગીરી થાય તે માટે સુચના અપાઇ છે. જિલ્લામાં એક જગ્યાએ સહાયના ફોર્મની કામગીરી થતી હોવાથી ખંભાત, તારાપુર સહિત તમામ તાલુકાના લોકોને સહાયના ફોર્મ ભરવા માટે આણંદ સુધી લાંબુ થવું પડતું હતું. જેને ધ્યાને લઇને આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ હવે ગ્રામ્ય અરજદારને કોઇ તકલીફ ના પડે તે માટે ગ્રામ પંચાયત અને પાલિકા સ્તરે કોરોના સહાયની કામગીરી કરવા સુચના આપી છે.

આણંદ જિલ્લામાં કોરોનાકાળમાં મોટાભાગના દર્દીઓના મોત નોનકોવિડથી થયા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું. પરંતુ સરકારે કોરોનાની સારવારમાં મૃત્યુ પામેલાઓના વારસદારને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત આણંદ જિલ્લામાં સરકીટ હાઉસ પાસે આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી સોમવારથી શરૂ કરાઇ હતી. અત્યાર સુધી જિલ્લા કક્ષાએ જ વ્યવસ્થા કરાઇ હતી પરંતુ હવે જિલ્લા કલેક્ટરે તાલુકા, પાલિકા અને પંચાયત કક્ષાએ કામગીરી કરવાની સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...