કોરોના પહેલાં અમદાવાદથી વડોદરા અને સુરત વચ્ચે અનેક એક્સપ્રેસ ટ્રેન અને 8 જેટલી મેમુ ટ્રેન દોડાવાતી હતી. જેનો આણંદ અને ખેડા જિલ્લાના મુસાફરોને તેમજ અપડાઉન કરનારાઓને લાભ થતો હતો. આ ટ્રેનોમાં 6000 હજારથી વધુ વેપારી અને નોકરિયાત વર્ગ અને 1500 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હતા.
જોકે, કોરોનાના કારણે રેગ્યુલર ટ્રેનો બંધ કરવામાં આવતા આ લોકોએ બસો કે ખાનગી વાહનોમાં વધુ ખર્ચે અને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. પશ્ચિમ રેલવેએ વિદ્યાનગર અને ખંભાત વચ્ચે ‘મેમુ’ ટ્રેન દોડાવવાની તૈયારીઓ આરંભી છે ત્યારે હવે આણંદ - નડિયાદથી અમદાવાદ અને વડોદરા - સુરત તરફ મુસાફરી કરતા મુસાફરો અને દૈનિક અપડાઉન કરતાં પાસધારકો તેમના રૂટ પરની ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી મીટ માંડીને બેઠા છે.
ચરોતરમાંથી અમદાવાદ - વડોદરા - સુરત તરફ 6000થી વધુ મુસાફરોનું આવાગમન
આણંદથી અમદાવાદ વચ્ચે 2000 પાસ ધારકો અને આણંદ થી વડોદરા વચ્ચે 1200 પાસ ધારકો, અને ખંભાત- પેટલાદથી દૈનિક 500 જેટલા પાસ ધારકો ટ્રેનમા અપડાઉન કરતાં હતા. નડિયાદથી અમદાવાદ અને સુરત - વડોદરા તરફ અપડાઉન કરનારાઓની સંખ્યા પણ લગભગ આટલી જ છે. ટ્રેનો બંધ હોવાથી નિયમિત અવરજવર કરતાં લોકોને ખાનગી વાહન કે બસનો આશરો લેવો પડતો હોવાથી આર્થિક ભારણ વધી ગયું છે.
ટ્રેન વ્યવહાર બંધ થતા અનેક લોકોએ બીજા શહેરની સારા પગારની નોકરી ગુમાવી પડી
ટ્રેનો બંધ હોવાથી હાલમાં ખાનગી વાહનોના ભાડા પોસાય તેમ નથી, બસોનું ભાડું મોંઘુ પડતું હોવાથી અનેક લોકોએ વડોદરા કે ભરૂચની નોકરી છોડવાનો વખત આવ્યો છે. અહી નાનું મોટુ કામ કરીને ગુજરાન ચલાવવું પડે છે. હવે કોરોનાનું સંક્રમણ મંદ પડયું છે અને ST નિગમે મોટાભાગના રૂટ ફરી શરૂ કરી દીધા છે ત્યારે તાત્કાલિક ટ્રેનો ચાલુ કરવા માટે રેલ્વે તંત્રને રજૂઆત કરાઇ છે.
> જગદીશભાઇ હરજાણી, પ્રમુખ પાસધારક એશોસિએશન, આણંદ
રેલવે બંધ થતા મુસાફરોની સાથે સંલગ્ન ધંધા રોજગાર કરનારાઓને પણ વ્યાપક નુકસાન
મેમુ ટ્રેન ચાલુ હતી ત્યારે આણંદથી અમદાવાદ કે નડિયાદથી અમદાવાદ મેમુમાં રૂ. 15માં મુસાફરી કરાતી હતી જેની સામે આણંદથી અમદાવાદના લોકલ અને એક્સપ્રેસ બસમાં અનુક્રમે રૂ. 40 અને 84 જેટલા ખર્ચવા પડે છે. મેમુ ટ્રેનમાં રૂ. 270નો માસિક પાસ થતો હતો. આટલી રકમ અત્યારે એક્સપ્રેસ બસમાં ચારથી પાંચ દિવસના ભાડામાં ખર્ચાઇ જાય છે. દોઢ વર્ષથી ટ્રેનો બંધ હોવાથી નાના મોટા ફેરીયાઓ અને પ્લેટફોર્મ પર વ્યવસાય કરતા લોકોને વ્યાપક નુકસાન થયું છે.
તુલના : ટ્રેનના માસિક પાસ જેટલી રકમ એક્સપ્રેસ બસમાં 4 થી 5 દિવસના ભાડામાં જ ખર્ચાઈ જાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.