કૃષિ ક્ષેત્રે ભારતની અદ્દભૂત પ્રગતિ:આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા અમૃત મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિથી વધારે કોઇ પુણ્યનું કામ ન હોઇ જીવનું જીવન કૃષિ છે, ભારતે કૃષિ ક્ષેત્રે અદ્દભૂત પ્રગતિ કરી છે: ડો.હિમાંશુ પાઠક

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા અમૃત મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો. જેમાં કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ શિક્ષણ – સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ દ્વારા અને નવી શિક્ષણ નીતિના અમલ સાથે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ મહાવિદ્યાલયના સ્થાપના કાળના સંસ્મરણો વાગોળી કૃષિ ક્ષેત્રે સંશોધનનું મહત્વ સમજીને દૂરંદેશીપણું રાખીને સ્થાપના કરવામાં આવેલી કૃષિ યુનિવર્સિટીના ઇતિહાસની યાદ અપાવી હતી.

ટેકનોલોજીનું જ્ઞાન કૃષિ ઉત્પાદકો સુધી પહોંચ્યું
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવના સમાપન પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને સમારોહના અધ્યક્ષ ડો.કે.બી.કથીરીયાએ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ ઉચ્ચત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ મીલાવી શકે તે માટેના આપવામાં આવી રહેલ અભ્યાસની જાણકારી આપી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન કૃષિ ઉત્પાદકો સુધી પહોંચાડવા સુચવ્યું હતું.

ભારતે કૃષિ ક્ષેત્રે અદ્દભૂત પ્રગતિ કરી
આ અમૃત સમાપન સમારોહના મુખ્ય મહેમાન અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ, ભારત સરકારના સચિવ અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક ડો.હિમાંશુ પાઠકે જય જવાન, જય કિસાનની સાથે જય વિજ્ઞાન અને જય અનુસંધાનનું સૂત્ર અપનાવવા જણાવ્યું હતું. તેમણે જય જવાન-કિસાન અને વિજ્ઞાન સાથે જો આપણે અનુસંધાન કરીશું તો ચોકકસ આપણને તેનું સમાધાન મળશે તેમ જણાવી તેમણે સંશોધન સાથે અનુસંધાન અને નવી ટેકનોલોજી સાથે કદમ મીલાવવા પડશે. તેઓએ શિક્ષણમાં વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શકિતઓને ઓળખી બહાર લાવવા પર ભાર મૂકી જણાવ્યું કે, જો આપણે આ કામ કરીશું તો ચોકકસ આપણે આગળ વધી શકીશું. કૃષિથી વધારે કોઇ પુણ્યનું કામ ન હોઇ જીવનું જીવન કૃષિ છે. ભારતે કૃષિ ક્ષેત્રે અદ્દભૂત પ્રગતિ કરી છે ત્યારે આવાનારા સમયમાં કૃષિ ક્ષેત્રે કલાઇમેન્ટ ચેન્જ, પર્યાવરણ, પાણી, સોઇલ હેલ્થ જેવા અનેક પડકારો રહેલા છે તે પડકારો અને તેની સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. તેમ જણાવી જ્ઞાન-વિજ્ઞાન સાથે સમાધાન કરવાની જરૂરિયાત સમજાવી હતી.

ટેકનોલોજી મિશ્રણ કરવાની જરૂરિયાત સમજાવી
ડો.હિમાંશુ પાઠકે પરંપરાગત કૃષિ પધ્ધતિ સાથે નવી ટેકનોલોજીના મિશ્રણ કરવાની જરૂરિયાત સમજાવી સારા આચાર-વિચાર અને સંસ્કૃતિનું મિશ્રણ કરવા પણ સુચવ્યું હતું. તેમણે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવના સમાપન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી મહાવિદ્યાલય પ્રગતિના વધુ સોપાનો સર કરી શતાબ્દિ વર્ષની ભવ્ય ઉજવણી કરે તેવી મનોકામના વ્યકત કરી હતી.

વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રે કૃષિ વર્ધક બનશે
બં.અ.કૃષિ મહાવિદ્યાલયની સ્થાપનામાં પાયાની ભૂમિકા અદા કરનાર દાતા સ્વ.શેઠ અમૃતલાલ હરગોવિંદદાસના પ્રપ્રૌત્ર અમીતભાઇ શેઠે આ પ્રસંગે કોલેજની સ્થાપના માટે પોતાના દાદાએ સેવેલા સપનાંને સાકાર થતું અને દેશના ખેડૂતો માટે આર્થિક કરોડરજજુ બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહેલ કોલેજની વિકાસ ગાથામાં સહભાગી થવા ત્રીજી પેઢીને યાદ કરી આમંત્રણ પાઠવવા બદલ અહોવભાવની લાગણી વ્યકત કરી કૃષિ ક્ષેત્રે કણ વાવો – મણ પામોની ઉકતિને યાદ કરી મહાવિદ્યાલય શતાબ્દિ તરફ આગેકૂચ કરી અહીંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખેડૂતોને નવી આધુનિક ટેકનોલોજીને ભાથું પીરસી ખેડૂતોને વધુ આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ભાવિ વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રે કૃષિ વર્ધક બનશે તેવી આશા વ્યકત કરી હતી.

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સાથે ઉચ્ચ તાલીમ
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેઙ પી.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં અહીં મેળવેલા અભ્યાસકાળના સંસ્મરણો અને કોલેજમાં આપવામાં આવતાં અભ્યાસની વિગતોને વાગોળી જણાવ્યું હતું કે, અહીં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સાથે ઉચ્ચ તાલીમ અને વિદ્યાર્થીઓને નેતૃત્વની સાથે સક્ષમ બનાવવામાં આવે છે. તેમણે વધુમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મહાવિદ્યાલયના અમૃત મહોત્સવમાં સહભાગી થવાનો જે અવસર પ્રાપ્ત કરવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ ડો.એમ.કે.ઝાલાએ રાષ્ટ્રના આઝાદીકા અમૃત મહોત્સવ અને બં.અ.કૃષિ મહાવિદ્યાલયનો અમૃત મહોત્સવને એક સુભગ સંજોગ હોવાનું જણાવી આજે ભારતીય કૃષિ ક્ષેત્રે નવા આયામો આકાર પામી રહ્યા હોવાનું કહ્યું હતું. તેમણે કૃષિ ક્ષેત્રે કરવામાં આવી રહેલ વિવિધ સંશોધનોની જાણકારી આપી કૃષિ ક્ષેત્રે આવેલ ક્રાંતિ કૃષિ વૈજ્ઞાનિકો અને તેનો પ્રોત્સાહિત કરનાર મહાનુભાવો અને અગ્રણીઓ તેના અભિનંદનના અધિકારી હોવાનું ઉમેર્યું હતું.

પાંચ પ્રકાશનોનું વિમોચન
આ પ્રસંગે સોવેનિયર સહિત વિવિવ પાંચ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું જયારે કુલપતિ ડો.કે.બી.કથીરિયા સહિત બં.અ.કૃષિ મહાવિદ્યાલયના પૂર્વ ડીન અને આચાર્યોનું શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમીત શાહે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવ સમાપન પ્રસંગે પાઠવેલ શુભેચ્છા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં બં.અ.કૃષિ મહાવિદ્યાલયના ડીન અને આચાર્ય ડો વાય.એમ.શુકલએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાનો ઇતિહાસ, વિકાસગાથા અને અમૃત મહોત્સવ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કૃષિને લગતા વિવિધ 75 પ્રકાશનો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જયારે અંતમાં ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.ડી.બી.સીસોદિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર,બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમીક કાઉન્સિલ મેમ્બર, વિવિધ કૃષિ કેન્દ્રોના વૈજ્ઞાનિકો, દાતાઓનો પરિવાર, પૂર્વ કુલપતિ, પૂર્વ ડીન-આચાર્યો, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાડા ચાર કરોડના ખર્ચે બનેલા રીસર્ચ સ્ટેશનનું લોકાર્પણ કરાયું
બં.અ.કૃષિ મહાવિદ્યાલયના અમૃત મહોત્સવ સમાપન પ્રસંગે મુખ્ય શાકભાજી સંશોધન કેનદ્રની ફાર્મા કચેરીના નવા મકાનનું તેમજ રૂા.4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રીસર્ચ ઇન્ફાસ્ટ્રકચર ફોર મોર્ડનાઇઝેશન ઓફ મેઇન વેજીટેબલ રીસર્ચ સ્ટેશનમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ઇમ્પ્લીમેન્ટ શેડ, ફોડર શેડ, ખેડૂતોની તાલીમ અને મ્યુઝિયમ જેવી સુવિધાઓ ધરાવતા મકાનનું મહાનુભાવોના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ કૃષિ વિકાસ અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવનારૂં બની રહેશે.

કૃષિ યુનિવર્સિટીના ઐતિહાસીક ચીજવસ્તુઓના મ્યુઝિયમને ખુલ્લુ મુકાયું
આણંદ કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા કેન્દ્રોએથી ઐતિહાસિક ચીજવસ્તુઓ જેવી કે, સાહિત્ય, શીલ્ડ, મેડલ્સ, વિવિધ મહાનુભાવોની ઐતિહાસિક મુલાકાતની તસ્વીરો, વિશ્વ વિદ્યાલયમાં વર્ષ વાર થયેલ પ્રસંગની તવારીખ તથા અન્ય રસપ્રદ ચીજોના સંગ્રહ સાથે પૂ. મહાત્મા ગાંધીજીનો ચરખો જેવી ઐતિહાસિક બાબતોની માહિતી વર્તમાન અને ભાવિ પેઢીને મળી રહે તે હેતુથી કુલપતિ ડો.કે. બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ મ્યુઝિયમને પણ આજે લોકહિતાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...