ચોરી:હાડગુડમાં ત્રણ મકાનોમાં ચોરી મોડી સાંજ સુધી ફરિયાદ જ નહીં

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના સમયે સાડા ત્રણથી ચાર વાગ્યા સુધીના સમય દરમિયાન અચાનક લાઈટ બંધ થઈ ગઈ હતી
  • પિતાનું નિધન થતાં મહિલા પિતાના દફનવિધિમાં ગયા હતા

આણંદ શહેર પાસે આવેલા હાડગુડમાં રવિવારે રાત્રિના કેટલાંક તસ્કરો કાર સાથે ત્રાટક્યા હતા. અને તેમણે એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી તેમાંથી લાખોની મત્તાની ચોરી કરી હતી. જોકે, આ બનાવની 24 કલાક વીતવા છતાં પણ આણંદ શહેર પોલીસે માત્ર અરજી જ લીધી હતી. પાક્કી ફરિયાદ ન લેતાં કુલ કેટલી મત્તાની ચોરી થઈ હતી તે બાબતે ચોક્કસ જાણી શકાયું નહોતું.

હાડગુડ સ્થિત આશીયાના સોસાયટીમાં સઈદાબાનુ ઝાકીરઅલી સૈયદ રહે છે. તેમના પિતાનું નિધન થતાં તેઓ તેમના પિતાના ઘરે ગયા હતા. દરમિયાન સોમવારે સવારે તેઓ પરત ફર્યા હતા એ સમયે તેમના બંધ ઘરનો નકુચો તૂટેલી હાલતમાં જોતાં જ તેઓ ચોેંકી ઉઠ્યા હતા. તેમણે મકાનમાં તપાસ કરતાં મકાનમાં ચોરી થઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, તેમના મકાનમાંથી તસ્કરો રોકડા રૂપિયા 40 હજાર અને અન્ય સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જોકે, તસ્કરોએ આ સિવાય પડોશમાં રહેતા અશોકભાઈ તેમજ આરીફઅલીના મકાનોને પણ નિશાન બનાવ્યા હતા. તેમના મકાનમાંથી પણ લાખોની મત્તાની ચોરી થઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં જોતાં તસ્કરો રાત્રિના ચાર વાગ્યાની આસપાસ ત્રાટક્યા હતા. જેમાં ખાસ તો સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમય દરમિયાન વિસ્તારની લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. અલબત્ત, આ સમય દરમિયાન જ તસ્કરો વિસ્તારમાં કળા કરી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ભાવનગર પાસીંગની કાર સીસીટીવી કેમેરામાં કેદ
સમગ્ર ઘટનામાં એક ભાવનગર પાસીંગની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે કાર પ્રથમ સોસાયટીમાં પ્રવેશે છે અને રીવર્સમાં લઈને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ જાય છે. જોકે, જે નંબરવાળી કાર છે તેની માલિકી અંગે સરકારના વ્હીકલ પોર્ટલ પર તપાસ કરતાં આ નંબર વાળી કાર હોવાનું જ ખુલતું નથી. આમ, તસ્કરોએ ખોટી નંબર પ્લેટવાળી કાર લઈને આવ્યા હોવાનું પણ ફલિત થાય છે.

હાલમાં તપાસ ચાલુ છે, ફરિયાદ લેવાશે
હાડગુડમાં બનેલી ઘટના સંદર્ભે હાલમાં તપાસ ચાલુ છે. તેમની માત્ર અરજીઓ લેવામાં આવી છે. ફરિયાદી કહેશે એ પછી આગામી સમયમાં તેમની ફરિયાદ લેવામાં આવશે.- યશવંતસિંહ ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર, આણંદ શહેર પોલીસ સ્ટેશન

મારી પાસે કંઈ જ આવ્યું નથી
આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી ભાવિકાબેને જણાવ્યું હતું કે, 12.00 થી 8.00 વાગ્યા સુધી હું ફરજ પર છું. પરંતુ મારી પાસે કંઈ જ આવ્યું નથી. મને ખબર નથી કે ક્યાં ચોરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...