ભાસ્કર વિશેષ:પ્રસુતિ માટે આવેલી બહેન માટે ભાઈએ રૂમ તો ખાલી કરી આપ્યો પણ દરવાજા આડે સામાન મૂકી આડોડાઇ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભયમની મદદ લેવાઇ, સમજાવટ બાદ આખરે મામલો થાળે પડ્યો

આણંદના એક ગામમાં પુત્ર અને તેની પત્ની દ્વારા વૃદ્ધા માતા-પિતાને હેરાનગતિ કરાતી હતી. ઉપરાંત પ્રથમ પ્રસુતિ માટે પિયરમાં આવેલી બહેન માટે પણ એક ભાઈએ રૂમ ખાલી કરી આપ્યો નહોતો. જોકે, અવાર-નવાર કહ્યાં બાદ આખરે તેણે રૂમ તો આપ્યો હતો પરંતુ તમામ માલ-સામાન રસ્તામાં મૂકી દીધો હતો. જેને કારણે અવર-જવર કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. જોકે, સમગ્ર બાબત અંગે મહિલાએ અભયમની મદદ લેતાં આખરે મામલો થાળે પડ્યો હતો.

સમગ્ર બનાવની હકીકત અંગે વાત કરતાં અભયમના કાઉન્સિલરે જણાવ્યું હતું કે, અભયમ પર એક મહિલા ફોન કર્યો હતો, જેમાં તેનો પુત્ર અને વહુ હેરાન કરતા હોવાની વિગત જણાવી હતી. જેને પગલે અભયમની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. તેઓ મધ્યમવર્ગનો પરિવાર હતો અને મૂળ તેઓ આણંદના હતા, પરંતુ તેમની નોકરી વડોદરામાં હોય તેઓ વડોદરામાં રહેતા હતા.

જોકે, તેમની પુત્રીને પ્રથમ પ્રસુતિ આવવાની હોય તે તેના પિયર આવી હતી. જોકે, સગર્ભા પુત્રીને પ્રથમ માળે જવું શક્ય ન હોય દંપતીએ નીચેના રૂમમાં રહેતાં પુત્રને રૂમ ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેમજ તેની પત્નીએ માતા-પિતા અને તેની બહેન સાથે ઝઘડો કર્યો હતો. જોકે, ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં આખરે, પુત્રે રૂમ ખાલી કર્યો હતો પરંતુ તમામ માલ-સામાન રસ્તામાં મૂકી દીધો હતો. જેને કારણે રૂમમાંથી બહાર અવર-જવર કરી શકાય તેમ નહોતું. આમ, સગર્ભા બહેન અને વૃદ્ધ માતા-પિતા માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.

આખરે, વૃદ્ધાઅે આ બાબતે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કોલ કર્યો હતો. ટીમ દ્વારા વૃદ્ધાના પુત્ર અને વહુને શાંતિ જાળવવા અને આવું પગલું ન ભરવા માટે કહેવામાં આવ્યું હતું. વધુમાં તેને જ્યાં સુધી પુત્રીની પ્રસુતિ પૂરી ન થાય ત્યાં સુધી ઘરના બીજા માળે રહેવાની સૂચના આપવામાં આવી હતી. વધુમાં જો તે પરિવારજનો હેરાન થાય તેવું પગલું ભરશે તો ભવિષ્યમાં તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આમ, આખરે, પરિવારના બંને સભ્યો વચ્ચે સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...