કાર્યવાહી:વર-કન્યા બંને પક્ષના આજે પોલીસ નિવેદન લેશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાપાડ-વાંટામાં લગ્ન વખતે BMW કાર લઇને આવેલા વરરાજા કન્યાને લીધા વગર પરત ફર્યાં હતા

આણંદ પાસેના નાપાડ-વાંટા ગામે બીએમડબલ્યુ કાર ઘર સુધી ન જતાં અને એ પછી દહેજ બાબતે માથાકુટ થતાં કન્યાને લીધા વિના જ પલાયન થઈ ગયેલા વર વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વર અને કન્યા એમ બંને પક્ષના લોકોને બોલાવી તેમની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

આણંદ તાલુકાના નાપાડ (વાંટા) ગામે એકતાનગર પાસે રહેતા સ્વ રૂપસિંગભાઇ સોઢા પરમારની દિકરી હિનાના લગ્ન વિદ્યાનગર ખાતે રહેતા ધ્રુવેશ પઢિયાર સાથે નક્કી થયા હતા. બંને લગ્ન 12મીને ગુરૂવારના રોજ યોજવામાં આવ્યા હતા. જોકે, એ સમયે ધ્રુવેશ બીએમડબલ્યુ કાર લઈને આવ્યો હતો અને ઘર સુધીનો રસ્તો કાચો હોઈ તેના પરિવારજનોએ બોલાચાલી કરી હતી. એ પછી લગ્ન સંપન્ન થયા હતા પરંતુ પુન: બોલાચાલી કરી વર કાર લઈને પલાયન થઈ ગયો હતો.

સમગ્ર ઘટના બાબતે સામાજિક સંસ્થાને અને ત્યારબાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. આ મામલે વાત કરતાં પીએસઆઈ વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, સોમવારે બંને પક્ષના લોકોને તેમની રજૂઆત કરવા, નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા નહોતા. પુન: તેમને મંગળવારે બોલાવ્યા છે અને એ પછી તેમની પૂછપરછ કરાશે. એ પછી આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે. હાલમાં તો માત્ર લેખિતમાં કન્યાપક્ષ તરફથી અરજી આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં તપાસ કરવામાં આવી રહીં છે, એમ પી.એસ.આઇ. પુરોહિતે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...