આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાના રિસામણાંના પગલે સિંચાઇ અને પીવાના પાણીની ગંભીર તંગીના એંધાણ છે. ડેમ અને મોટા જળાશયો તો ખાલી જ છે ઉપરાંત ગામોના તળાવોમાં પણ તળિયા ઝાટક જેવી સ્થિતિ છે. આણંદ જિલ્લામાં 315 ગામોમાં 1070 તળાવો આવેલા છે જેમાં હાલ માત્ર 15 ટકા જળજથ્થો છે. 30 જેટલા મોટા તળાવોમાં ક્ષમતાં કરતા માત્ર 50 ટકા જથ્થો છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો સિંચાઇના પાણી ઉપરાંત પશુધનને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાશે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 47.07 ટકા વરસાદ થયો છે. પરંતુ જુલાઇ માસમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડયા હોવાથી તળાવોમાં પાણી ભરાયા નથી. ગામડાઓના તળાવોનો પશુધનને પાણી પીવડાવવા ઉપરાંત ગામવાસીઓ માટે વાપરવાના પાણી માટે ઉપયોગ કરાય છે. અમૂક ગામોમાં ખેડૂતો સીમ વિસ્તારના તળાવમાંથી સિંચાઇ માટે પાણી લેતા હોય છે. પરંતુ આ વખતે પાણીના અભાવે તમામ પ્રકારની સમસ્યા સર્જાઇ છે.
જીચકા ગામના ત્રણેય તળાવ ખાલી હોવાથી ગ્રામજનોને મુશ્કેલીઓ
તારાપુર તાલુકાના જીચકા ગામમાં ત્રણ તળાવ આવેલ છે. તે તમામ ખાલી થઇ ગયા છે.તેના કારણે ગામના કુવાના લેવલ નીચા ગયા છે. તેમજ પશુઓ માટે પીવાનું પાણી કયાંથી લાવું તે પ્રશ્ન થઇ પડયો છે. તળાવના પાણીથી ખેડૂતો ખેતી કરે છે. હાલમાં પાણી ન હોવાથી ખેડૂતોનો ડાંગરનો પાક બળી રહ્યો છે.અહીંયા પૂરતા પ્રમાણમાં કેનાલ નેટવર્કનો પણ અભાવ છે. > ભાનુભાઇ પટેલ,સરંપચ,જીચકા તારાપુર
રાસ તળાવમાં માત્ર 20 ટકા પીવાના પાણીનો જથ્થો
બોરસદ તાલુકાના રાસ ગામના તળાવમાંથી જૂથ પાણી પુરવઠા દ્વારા 14 ગામો સહિત 52 પરા વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ હાલમાં માત્ર તળાવમાં 20 ટકા પાણી હોવાથી પીવાનું પાણી આપવાનું બંધ કરાયું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
કનેવાલ તળાવમાં માત્ર 10 દિવસ ચાલે તેટલું પાણી
તારાપુર તાલુકાના કનેવાલ તળાવમાંથી 45 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ તાલુકામાં ઓછા વરસાદના પગલે તળાવ લેવલમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કનેવાલ તળાવની ક્ષમતા 16.00 એમસીએમ છે. તેની સામે હાલમાં માત્ર 5.60 એમસીએમ પાણી છે. જે આગામી 10 દિવસ ચાલે તેમ છે તેમ પેટલાદ સિચાઇ વિભાગના એસ ડી પટેલ જણાવ્યું હતું.
કડાણા ડેમમાંથી દર વખતે તળાવ ભરવામાં આવતું હતું. પરંતુ આ વખતે કડાણા ડેમમાં પણ પૂરતા પાણીના અભાવે કેનાલોમાં પૂરતા પ્રમાણમાં છોડવામાં આવતું નથી. જેના કારણે કનેવાલ તળાવ માટે પણ ઓછો જથ્થો ફાળવ્યો છે. આગામી દિવસો સારો વરસાદના થાય તો પાણીનું સ્તર સાવ ઘટી જાય અને પુરવઠો બંધ કરવો પડે જેના કારણે મોટાભાગના ગામોમાં પીવાના પાણીનું ગંભીર સંકટ પેદા થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.