ઉમરેઠના સૈયદપુરા ગામ પાસેથી પસાર થતી નહેરમાં શનિવારની વ્હેલી સવારે કારમાં યુવતીની લાશ લઇને યુવક આવ્યો હતો. આસપાસમાં કોઇ ન હોવાથી તેણે યુવતીની લાશ બહાર કાઢી નહેરમાં ફેંકી દીધી હતી. જોકે, તે ત્યાંથી ઝડપથી ભાગવા માટે કાર રિવર્સમાં લઇ રહ્યો હતો. દરમિયાન કાર પર કાબુ ગુમાવતા તે ખેતરમાં ઘૂસી ગઇ હતી. જ્યાંથી કારને બહાર કાઢી ન શકતાં ત્યાં જ મુકી ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાં ભાલેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવતીની લાશ નહેરમાંથી કાઢી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરી તેની લાશ ફેંકવા આવ્યો હોવાનું ખુલ્યું હતું.
ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામે પસાર થતી મોટી કેનાલમાં શનિવારની વ્હેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ અજાણ્યો શખસ કારમાં 30થી 35 વર્ષની યુવતીની લાશ લઇને આવ્યો હતો. તેણે કાર એક સ્થળે ઉભી રાખી આસપાસમાં નજર કરી કોઇ ન દેખાતા તેણે યુવતીની લાશ બહાર કાઢીને કેનાલમાં નાંખી દીધી હતી. બાદમાં તેણે ત્યાંથી સલામત નિકળવા માટે કારને રિવર્સમાં લઇ યુટર્ન લેવા કોશીષ કરી હતી. પરંતુ નહેરનો રસ્તો સાંકડો હોવાથી તે રસ્તા પરથી ઉતરી નજીકના ખેતરના ખાડામાં ઉતરી ગઈ હતી. આથી, તેણે કારને બહાર કાઢવા કોશીષ કરી હતી. પરંતુ તેમાં સફળતા મળી નહતી.
બીજી તરફ ધીરે ધીરે અજવાળું થતાં ખેતરમાં ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. જેના કારણે આ યુવક ગભરાઇ ગયો હતો અને કાર મુકી ભાગી ગયો હતો. આ અંગે નજીકના લોકોએ પોલીસને જાણ કરતાં ભાલેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારનો કબજો લીધો હતો. આ ઉપરાંત નહેરમાં પણ લાશ જોવા મળતાં તેને તરવૈયાની મદદથી બહાર કાઢી હતી, પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. ભાલેજ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના મોંઢા પર તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું દેખાયું હતું. આથી, યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશ સગેવગે યુવક આવ્યો હોવાનું તારણ કાઢ્યું હતું. હાલ પોલીસે યુવતીની ઓળખ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.
ભાલેજ પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આ ઉપરાંત તેની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. જોકે, યુવતીની હત્યા ક્યાં કારણસર થઇ? તે હત્યારો પકડાઇ બાદ બહાર આવશે. પ્રાથમિક તપાસમાં મરનાર યુવતી પરપ્રાંતની એટલે કે પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશની હોવાનું જણાયું છે. અહીં આવ્યા બાદ કોઇ સાથે અણબનાવમાં હત્યા થઇ હોવાની શંકા છે. આથી, શકમંદોની અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ હત્યા પાછળ એકથી વધુ શખસ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સૈયદપુરાની નહેરમાં યુવતીની લાશ નાંખ્યા બાદ યુવકે ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ કાર ખેતરમાં ફસાઇ જતાં તે સ્થળ પર જ કાર મુકી ભાગી ગયો છે. હાલ પોલીસે કાર નં.(GJ-7-AD-7732)જપ્ત કરી તેના નંબર આધારે માલીકની શોધખોળ હાથ ધરી છે.
કારનો માલિક નરસંડાનો હોવાનું બહાર આવ્યું
પોલીસે કારના માલિક અંગે હાથ ધરેલી તપાસમાં આ કાર ખેડાના નરસંડા ગામના પિનાકીનભાઈ રમણભાઈ પટેલના નામે હોય પુછપરછ માટે બોલાવ્યાં હતા. જેના આધારે હત્યાની કડી મળી હતી. સાથે સાથે યુવતીની ઓળખની દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી અને યુવતીની ઓળખ પણ થઈ જવા પામી હતી. પોલીસે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાંખ્યો હોવાનંુ પણ હજુ કેટલીક કડીઓ જોડવાની બાકી હોય આરોપીઓના નામ સત્તાવાર જાહેર કર્યા નથી, સવાર સુધીમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જશે.
હત્યારાઓએ કાર બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે પાણીમાં લાશ નાંખીને કારને રિવર્સ લેતી વખતે ગટરમાં કાર ઉતરીને બાજરીના ખેતરમાં ઘુસી ગઇ હતી. જો કે હત્યારાઓએ કાર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. કાર ન નીકળતા આખરે હત્યારાઓએ કાર મુકીને ભાગી ગયાહતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.