યુવતીની લાશ મળી:સોજીત્રાના માલતજ પાસે કેનાલમાંથી યુવતીની લાશ મળી, બે દિવસ પહેલા મોત થયુ હોવાની શંકા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડૂબી જતા કે અન્ય કારણ જાણવા પોલીસે પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું

સોજિત્રાના મલાતજ ગામે ચિલાકુઇ સીમ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી આશરે 20થી 25 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. આ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તરવૈયાની મદદથી લાશને બહાર કઢાઇ
સોજિત્રાના કાસોર ગામે રહેતા ફતેસિંગભાઈ રણછોડભાઈ પરમાર 14મી જૂલાઇના રોજ બપોરે મલાતજ ગામે ચિલાકુઇ સીમમાંથી પસાર થતાં હતાં તે સમયે તેમને ખંભાત શાખા મોટી નહેરમાં એક યુવતીની લાશ જોઇ હતી. આ અંગે સોજિત્રા પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી લાશ બહારને કાઢી હતી. પ્રાથમિક તપાસમાં જ આ યુવતીનું મોત દોઢ કે બે દિવસ પહેલા થયું હોવાનું જણાયું હતું. જ્યારે મારના કે ઇજાના નિશાન જોવા મળ્યાં નહતાં. આથી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે લાશનો પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

મોતનું કારણ અકબંધ
આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. પરમારે જણાવ્યું હતું કે, યુવતીના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ લાશ ઉપરવાસથી તણાઇને આવી છે. આ નહેર ડાકોર તરફથી આવે છે. આથી, ખેડા જિલ્લાના પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે. હાલ તેની ઓળખવિધિ થયા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...