તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:યુટ્યુબ પરથી રીત જોઈને 12માં દિવસે ATM તોડ્યું

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ બાદ પડી ગયેલો મોબાઈલ લેવા આવ્યો ને ઝડપાયો
  • આણંદ ગ્રામ્ય પોલીસે નાવલી ATM ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલ્યો

આણંદ શહેર પાસેના નાવલી ગામે છ દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં યુ ટ્યુબ પરથી એટીએમ તોડવાની રીત જાણીને તેણે ગુનો કર્યો હતો. હાલમાં પોલીસે શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નાવલી ગામનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ ગત શનિવારે રાત્રે કોઈ શખ્સે તોડ્યું હતું. આ અંગેની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસે નોંધીને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ બે દિવસ બાદ એક શખ્સ એટીએમ પાસે આવીને કંઈ શોધી રહ્યો હોવાનું અને તે અજાણ્યો હોવાની જાણ પોલીસને સ્થાનિક દ્વારા થતાં પોલીસની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી શકમંદને ઝડપી નામ-ઠામ પૂછતાં આસીફરઝા રહેબરઅબ્બાસ સૈયદ (રહે. સંભલ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ગત ત્રીજીએ તેણે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રિના સમયે સાઈરન વાગતાં અને પોલીસ આવી પહોંચતા જ તે દિવાલ કૂદીને ભાગ્યો હતો. દરમિયાન ભાગતી વખતે તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો. પોલીસ કે પછી અન્ય કોઈના હાથમાં તેનો મોબાઈલ ન આવે અને તે પકડાઈ ન જાય તે માટે મોબાઈલ લેવા પાછો આવ્યો હતો. હાલમાં પોલીસે આ ગુનામાં તેની ધરપકડ કરી તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ હોટલમાં રહીને વિવિધ વિસ્તારમાં રેકી કરતો હતો
શખ્સ અમદાવાદ હોટલમાં રહેતો હતો. આ દિવસ દરમિયાન તે મહેસાણા, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં ફરી ચૂક્યો હતો. જ્યાં તેણે દિવસ દરમિયાન રેકી કરી હતી. એ પછી તેણે નાવલીમાં સિક્યોરીટી ગાર્ડ વિનાના એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. > નિલેશભાઈ રામી, પીએસઆઈ, આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

ચોરીના ઈરાદે જ ગુજરાતમાં આવ્યો હતો
પોલીસે શખ્સ પાસેથી મોબાઈલ ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, કટીંગ મશીન, લોખંડનો હથોડો, પાના પક્કડ, લોખંડની છીણી, અર્ધ વપરાયેલ સેલોટેપ, વાયરનો ટુકડો, મોબાઈલ કબ્જે લીધો હતો. પોલીસ તપાસમાં તે ગત 21મી જૂનના રોજ પ્રથમ વખત ગુજરાતમાં અને તે પણ ચોરીના ઈરાદે જ આવ્યો હતો. ચોરી કર્યા બાદ યુપી જતા રહેવાની ફિરાકમાં હોવાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...