ચૂંટણી કામગીરી:ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત ગણતરીનું અંકગણિત સંપૂર્ણ ગણતરી થતા 24 થી 36 કલાકનો સમય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સાથે એક કરતાં વધુ ગામની ગણતરી : દરેક તાલુકા મથકે કામગીરી થશે

આણંદ જિલ્લાની 183 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન થશે અને 21 તારીખને મંગળવારે સવારથી મત ગણતરી શરૂ થશે. આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી તેની ગણતરીમાં પણ ઇવીએમ કરતાં વધુ સમય લાગશે. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના મત મુજબ જે તાલુકામાં ઓછી ગ્રામ પંચાયત છે ત્યાં ગણતરીમાં ઓછો અને વધુ છે ત્યાં વધુ સમય લાગી શકે છે. ક્યાંક રિકાઉન્ટીંગ કે અન્ય પ્રકારના પડકાર આવે તો પણ વધુ સમય થઇ શકે છે. એકંદરે તમામ પંચાયતની ગણતરી પૂરી કરતા 24 થી 36 કલાકનો સમય લાગી શકે છે.

આણંદ જિલ્લામાં 8 તાલુકામાં 183 સરપંચ અને 1230 વોર્ડ સભ્યોની બેઠક માટે મતદાન થયા બાદ મંગળવારે દરેક તાલુકા મથકે ગણતરી થશે. દરેક ગણતરી કેન્દ્ર પર 7 થી 11 જેટલી રૂમોમાં અલગ અલગ પંચાયતોની ગણતરી કરી કાઉન્ટીંગને બને તેટલા વહેલા પૂરી કરવામાં આવશે. ખંભાત તાલુકામાં ચૂંટણીની કામગીરી સંભાળતા મનિષભાઇના જણાવ્યા મુજબ તાલુકામાં 9 રિટર્નીંગ ઓફિસર નીમવામાં આવ્યા છે. દરેક આર. ઓ ના સુપરવિઝનમાં એક ગામની ગણતરી કરાશે આમ એક સાથે 9 ગામની મત ગણતરી થશે.

જો પહેલી નવ પંચાયતોની ગણતરી માટે સરેરાશ 4 કલાકનો સમય લાગે તો 36 ગ્રામ પંચાયતોની મતગણતરી માટે 16 કલાક લાગી શકે તદુપરાંત એક રાઉન્ડ બાદ એક કલાકની રિશેસ ગણીએ તો બીજા ચાર કલાક વધી જાય આમ જો કોઇ વિવાદ કે ડખો ના થાય તો ખંભાત તાલુકામાં 20 થી 24 કલાક લાગે. દરેક તાલુકામાં ગણતરીની પ્રક્રિયા એકસરખી હશે પણ એક સાથે કેટલા ગામની ગણતરી કરવી તે નિર્ણય જે તે ચૂંટણી અધિકારી દ્વારા લેવાશે.

મતપેટીમાંથી સરપંચ અને વોર્ડ સભ્યના મત અલગ કરાશે ઃ ગણતરીમાં 25ની થપ્પી કરાશે
મંગળવાર સવારે 7 કલાકથી ગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ થશે. જે ગામની ગણતરી થવાની હોય તેના ઉમેદવાર અને એજન્ટની હાજરીમાં મતપેટીઓ લાવી તેમાંથી સરપંચ અને વોર્ડ સભ્યોના બેલેટ પેપર કરીને 25ની થપ્પી કરાશે. અને ગણતરી બાદ પરિણામ જાહેર કરાશે. તેવી જ રીતે સરપંચના મતપત્રકોની થપ્પી કરીને ગણતરી બાદ વિજેતા જાહેર કરાશે. આવી રીતે દરેક તાલુકા મથકે જે તે તાલુકાની પંચાયતની ગણતરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...