કોરોના પગલે દોઢ વર્ષ અગાઉ માર્ચ માસમાં આણંદ ગોધરા વચ્ચે દોડતી મેમુ ટ્રેન સહિત તમામ પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જો કે કોરોના સંક્રમણ ઘટતાં યાત્રિકોના હિતમાં રેલ્વે તંત્ર દ્વારા આગામી 16મી ઓગસ્ટે આણંદ-ખંભાત બાદ આણંદ-ગોધરા વચ્ચે મેમુ ટ્રેનના દૈનિક બે રૂટો શરૂ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.આમ લાંબા અંતરાલ બાદ ફરી શરૂ કરવામાં આવતા આણંદ, ઓડ, ડાકોર, ગળતેશ્વર, ઠાસરા, સેવાલિયા અને ગોધરાના રેલવે યાત્રીઓને તેનો સીધો ફાયદો થશે.
આ અંગે આણંદ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર રણજીતસિંહે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છૂટ-છાટ આપવામાં આવી રહી છે. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી આણંદ-ખંભાત પેસેન્જર ટ્રેન બાદ આણંદ-ગોધરા પેસેન્જર ટ્રેનને પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ અગામી 16મી ઓગસ્ટથી આણંદ રેલવે સ્ટેશન પરથી આણંદ-ખંભાત અને આણંદ-ગોધરા અેમ બે પેસેન્જર ટ્રેનો દોડશે. જેની તમામ તૈયારીઓ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા આ પેસેન્જર ટ્રેનને બંધ કરવામાં આવી હતી. જેને લઈને આણંગ-ગોધરા પેસેન્જર ટ્રેન બંધી કરી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં દર પૂનમે અમદાવાદ, વડોદરાથી આવતાં 2 હજારથી વધુ શ્રધ્ધાળુ ડાકોર દર્શનાર્થે જતાં હતાં. તેમજ ગોધરા સહિત વચ્ચે ગામોમાં લોકોને નિયમિત અવર-જવર કરતાં હતાં. તેવા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે દોઢ વર્ષ બાદ પુનઃ શરૂ કરવામાં આવતા આણંદ, ઓડ, ડાકોર, ઠાસરા, સેવાલિયા અને ગોધરાના રેલવે યાત્રીઓને તેનો સીધો ફાયદો થશે.
ડેમુના બદલે મેમુ દોડાવવાથી પર્યવારણની સાથે સમયની બચત થશે
છેલ્લા અેક દસકાથી આણંદ-ખંભાત વચ્ચે ડિઝલ અેન્જિન ધરાવતી ડેમું ટ્રેન દોડતી હતી. જેને આણંદ થી ખંભાતના 53 કિ.મીના અંતરને કાપવા માટે દોઢ કલાકનો સમય થતો. જો કે, અગામી 16મી ઓગસ્ટથી આણંદ-ખંભાત વચ્ચે ડેમુના બદલે મેમુ ટ્રેન દોડાવવામા આવશે. જેને લઈને અગાઉ જે દોઢ કલાકનો સમય થતો હતો તેમાં ઘટાડો થતાં વહેલી ખંભાત પહોંચાડી દેશે. આ અંગે આણંદ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર રણજીતસિંહે જણાવ્યું હતું કે, સરકારે આણંદ,પેટલાદ,ખંભાત સહિત તાલુકાના ઉદ્યોગધંધાને વેગ મળે તેમજ સ્થાનિક જનતા લાભ મળે તે માટે પશ્વિમ આણંદ-ખંભાત 53 કિમી રેલવેલાઇન પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેની કામગીરી પૂર્ણ થતાં ઇલેક્ટ્રિક મેમુ ટ્રેન દોડવવાનો નિર્ણય લીધો છે. આ સાથે આણંદ-ખંભાત વચ્ચે ડીઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેન દોડવવામાં આવતી હતી. તેના કારણે ડીઝલનો વપરાશ વધી જતો હતો. તેની સામે એટલી આવક થતી નથી. તેમજ એન્જીન કાર્બન ડાયોકસાઇડ વધુ પ્રમાણ છોડતું હોવાથી પોલ્યુશન ફેલાતું હતું. જો કે, હવેથી આ રૂટ પર મેમુ ટ્રેન દોડશે. જેથી ફયુઅલ બચત અને વાતાવરણમાં પ્રદુષણ પણ નહીં ફેલાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.