• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Thakor Tara Of Dakor Opens Closed Doors, 6 Out Of 10 Leading Women In Charotar Said, There Should Be No Difference Between Men And Women In Worship

ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ:ચરોતરમાં 10માંથી 6 અગ્રણી મહિલાઓએ કહ્યું, ‘પૂજાઅર્ચનામાં સ્ત્રી-પુરૂષનો ભેદ ના હોવો જોઇએ’

આણંદ, નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારાદારી બહેનોની તસવીર - Divya Bhaskar
વારાદારી બહેનોની તસવીર
  • રણછોડજીની સેવા પૂજા કરવા માટે મંદિરે પહોચેલ ઈન્દિરાબેન અને ભગવતીબેન સવારે 5.45 વાગ્યે મંદિરે આવ્યા હતા, જેઓ સાંજે 7.30 વાગ્યા સુધી મંદિરે બેઠા હતા.

ડાકોરમાં રાજારણછોડરાયની પૂજા કરવા માટે વારાદારી બે બહેનોએ પ્રયાસ કરતાં વિવાદ સર્જાયો છે. એકતરફ બંને બહેનો પૂજા કરવા માટે મક્કમ છે ત્યારે બીજીબાજુ મંદિર ટ્રસ્ટે પણ કોર્ટના ચૂકાદાનો હવાલો આપી આજે પ્રથમ દિવસે તેમને ભગવાનની સન્મુખ પૂજા કરતા રોક્યા હતા. પૂજા કરવા દેવાની માંગ સાથે આજે આખો દિવસ મંદિરના પગથિયે બેસી રહેલી ઇન્દીરાબેન અને ભગવતીબેનનો આવતીકાલે રવિવારે પણ બીજા દિવસે વારો છે.

ત્યારે જોવું રહ્યું કે મંદિર ટ્રસ્ટ તેમને આવતીકાલે પૂજા કરવા દેશે કે કેમ? બીજી તરફ ચરોતરની 10 અગ્રણી મહિલામાંથી મોટાભાગની મહિલાઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે પૂજાવિધિમાં પુરુષ કે સ્ત્રી એવો ભેદભાવ ના હોવો જોઇએ. ભગવાન માનવજાત પર કોઇ ભેદભાવ રાખતા નથી અને પ્રભુની ભકિત મહિલાઓ વધુ કરે છે ત્યારે મહિલાઓને પૂજાથી વંચિત ન રાખી શકાય. ટેમ્પલ કમિટિએ હાલના સમય અને સંજોગોને ધ્યાને રાખી નિયમોમાં ફેરફાર કરી મહિલાઓને અધિકાર આપવો જોઇએ. જોકે, અમૂક બહેનોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વ્યાજબી ગણાવ્યો હતો.

મંદિરની લાગણી મહિલાઓએ સમજવી જોઈએ
અત્યાર સુધી કોઈ દીકરીઓએ પૂજા કરી હોય તેવું અમારા ધ્યાનમાં નથી. તેમના પિતા મંદિરમાં પૂજા કરતા હતા. અને તેઓને સંતાનમાં કોઈ દીકરો નથી. બંને દીકરીઓના લગ્ન પણ થઈ ગયા હોવાથી ગોત્ર બદલાતા તે પૂજા કરી શકતા નથી. ત્યારે મંદિર ટ્રસ્ટ ની લાગણી પણ દીકરી ઓએ સમજવી જોઈએ. બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ.- નયનાબેન પટેલ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ

મહિલાઓને પણ પૂજાનો હકક મળવો જોઇએ
ડાકોરના રણછોડરાય મંદિરમાં સેવકના વંશજોને સેવાપૂજા કરવાના નિયમો છે. તેમાં પણ વંશમાં પુત્ર હોય તો તેને સેવા કરવાની તક મળે છે. પણ પુત્રી હોય તો તેને અધિકાર મળતો નથી. ભગવાનની પૂજા કરવામાં કોઇ ભેદભાવ ન હોવો જોઇએ, ભગવાન પર સૌનો અધિકાર છે. ેથી મંદિરમાં સેવકની દીકરીઓને પણ પૂજા કરવાનો હકક મળવો જોઇએ.- જાગૃતિબેન પંડયા, સરકારી વકીલ, આણંદ

સમયને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરફાર કરવા જોઇએ
સેવક બહેનોની માંગ યોગ્ય છે. સરકાર પણ મહિલાઓને સમાન તક આપે છે. વર્ષોથી ભગવાને પણ મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. કૃષ્ણ ભગવાન રાધા અને ગોપી સાથે વધુ રહેતા હતા. રામ ભગવાને શબરીના ઘરે જઇને બોર ચાખ્યા હતા. તો પછી માનવી મહિલાને પૂજા કરતા કેવી રીતે રોકી શકે. જેથી ટ્રસ્ટી મંડળે નિયમોમાં ફેરફાર કરીને બહેનોને પૂજાનો હકક આપવો જોઇએ. -અલ્પાબેન પટેલ, નવ ગુજરાત અધિકાર સંઘ, આણંદ

ભગવાનની ભક્તિમાં જાતિના ભેદભાવ ન હોય, સમાન અધિકાર હોવો જોઇએ
મંદિરમાં પૂજા માટે માંગણી કરનારી બંને મહિલાઓ વારાદારી છે ત્યારે મંદિર દ્વારા બંને બહેનોને સેવા પૂજા માટે હક્ક આપવો જ જોઈએ. ભગવાનની ભક્તિ તો મહિલા કરે કે પૂરૂષ કરે સરખી જ રીતે થવાની છે. આ પ્રથાને હવે દુર કરવી જોઈએ. જ્યારે વારસાગતની વાત થાય છે, તો મહિલાઓને પણ હવે સરખા અધિકાર મળ્યા છે તો સેવા પૂજા કરવાનો પણ સરખો અધિકાર મળવો જોઈએ. - ડો. જાનકીબેન અમીન, નડિયાદ

1200 વર્ષમાં કોઈ મહિલા એ પૂજા નથી કરી, તે સ્ત્રીની અવગણના છે
સિવિલ કોર્ટના આદેશ મુજબ કૃષ્ણલાલ સેવકના વંશમાં કોઈ દીકરો ન હોવાથી ઇન્દિરાબેન અને ભગવતીબેનને મંદિરની સેવા પુજા કરવાનો તેમનો વારો આવતો હોય તો, અને જો આપણે સ્ત્રી-પૂરૂષ સમાનતાની વાતને પ્રાધાન્ય આપતા હોય તો તેમને સેવા પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 1200 વર્ષમાં કોઈ મહિલાએ સેવા પૂજા નથી કરી તે બતાવે છે કે મંદિર ટ્રસ્ટ મહિલાઓની અવગણના કરી રહ્યું છે. 21મી સદીમાં આ બાબત યોગ્ય નથી.- સુધાબેન ઝાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

21મી સદીના આધુનિક સમાજની રૂઢીગત માન્યતાઓ કહેવાય
21મી સદીમાં પણ સમાજની માન્યતા હજી રૂઢીગત જ છે. વંશમાં દીકરો ન હોવાની સજા, અન્યાય ક્યાં સુધી આ દીકરીઓ સહન કરશે? દીકરી જગતની જન્મદાત્રી છે. ‘નારી ને ખુદ નારાયણી’ કહેનાર સમાજમાં શા માટે આ દીકરી પ્રભુના દીવા ન કરી શકે ? ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરી, ગોપીઓને રક્ષણ આપ્યું, સન્માન આપ્યું.જો ભગવાન પણ સ્ત્રી શક્તિનું સન્માન કરતા હોય તો આપણે કોણ છીએ? - નીરૂબેન ઠક્કર, આચાર્યા, ભારત હાઇસ્કુલ ઉત્તરસંડા

મંદિરના નિયમ અને કોર્ટના ચુકાદાનું મહત્વ જળવાવું જોઈએ
આજના જમાનામાં સ્ત્રી અને પૂરૂષનો બાધ ના હોવો જોઈએ. જ્યારે કોર્ટ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની છુટ આપતી હોય તો સ્ત્રી અને પૂરૂષમાં ભેદ ના હોવો જોઈએ. આતો ભગવાનની પૂજાની વાત છે, તેવો ભેદભાવ તેમાં ન હોવો જોઈએ. કોર્ટ એ સર્વોપરી છે, સાથે સાથે મંદિરના જે નિયમો હોય તેને પણ પ્રાધાન્ય મળવું જોઈએ. શુ નિયમ છે? કોર્ટે શું ચુકાદો આપ્યો છે તેની યોગ્ય અમલવારી થવી જોઈએ. -તૃપ્તિબેન શાહ, સિવિલ સુપ્રિટેન્ડન્ટ, નડિયાદ

ટેમ્પલ કમિટી અને વારાદારી બહેનોનો આંતરિક મામલો છે
યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણજોડજીની સેવા પૂજા કરવાનો હક્ક સેવકના વંશજોનો છે. આ સમગ્ર મામલો ધાર્મિક બાબતનો છે ત્યારે તેમાં હું કંઇ કહી શકું નહી પણ ટેમ્પલ કમિટીનો અને સેવક બહેનોનો પ્રશ્ન છે ત્યારે ટેમ્પલ કમિટીએ આ પ્રશ્ન હલ કરવો જોઇએ.- રૂપલબેન પટેલ, પ્રમુખ નગરપાલિકા આણંદ

ધર્મમાં તમામને સમાન હક્ક હોવા જોઇએ
યાત્રાધામ ડાકોરમાં બહેનો દ્વારા ભગવાન રણછોડરાયજીની પૂજા કરવા માટે જે વિવાદ છેડાયો છે તે મંદિર ટેમ્પલ કમિટીએ ઉકેલવો જોઇએ, ભગવાનની પૂજામાં સ્ત્રી કે પુરૂષનો ભેદભાવ બિલકુલ ન હોવો જોઇએ, ધર્મમાં સમાન હકક સૌ કોઇને મળવા જોઇએ. - ડો. રાગીણી બેન પટેલ , આણંદ

આ બાબતે હુ કંઇ કહેવા માંગતી નથી
પવિત્ર યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના નિયમો વિશે હું કંઇ જાણતી નથી. હાલમાં બે સેવાદારી બહેનોએ મંદિરમાં ભગવાન ઠાકોરજીની પૂજા- અર્ચના કરવા માટે માંગ કરી છે. તે પ્રશ્ન અંગે કંઇ કહેવા માંગતી નથી. પરંતુ સ્ત્રીઓને ભગવાની પૂજા કરવાનો હકક છે.- લજ્જા ગોસ્વામી, આણંદ

અન્ય સમાચારો પણ છે...