જુગાર રમવાની નવી મોડસ ઓપરેન્ડી:બોરસદમાં ઓનલાઇન જુગાર રમતા દસ શખ્સ પકડાયા, મોબાઇલ, કોમ્પ્યુટર સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સો કોમ્પ્યુટરમાં 'માસ્ટર કીંગ ઇન્ડીયા' ગેમ પર હારજીતનો ઓનલાઇન જુગાર રમતા હતા
  • પોલીસે દરોડો પાડી મોબાઇલ, કોમ્પ્યુટર સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બોરસદ શહેર પોલીસે બાતમી આધારે પુરૂષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડો પાડી ઓનલાઇન જુગારનો અડ્ડો પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે કુલ દસ શખસની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 1.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

બોરસદ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ ભોલાભાઈને બાતમી મળી હતી કે, બોરસદ શહેરના શાક માર્કેટની પાછળ ગંજ બજાર બાજુમાં આવેલા પુરૂષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ચંદ્રેશ રમેશ પટેલ (રહે.ધરતીનગર, બોરસદ), શ્યામગીરી ગોસ્વામી (રહે. બોરસદ) ભાગમાં ભાડેથી દુકાન રાખી દુકાનમાં માણસો રાખી કોમ્પ્યુટરમાં માસ્ટર કીંગ ઇન્ડીયા નામની ગેમ ઉપર આર્થિક ફાયદા સારૂ હારજીતનો ઓનલાઇન જુગાર રમાડી રહ્યાં છે.

બાતમીના આધારે પુરૂષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડા

આ બાતમીના આધારે વોરંટ મેળવી તેમણે એક ટીમ બનાવી હતી અને 9મીની મોડી રાત્રે પુરૂષોત્તમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અલગ અલગ કોમ્પ્યુટર ઉપર બેસી કેટલાક શખસો કંઇ રમતાં હતાં. જે પૈકી દુકાનના કાઉન્ટર પર બેઠેલો ઇસમને પુછતાં તે કેતુલ મહેશ ભોઇ (રહે.બોરસદ) હોવાનું જણાવ્યું હતું. આ દુકાનમાં કોમ્પ્યુટર પર જોતા હારજીતનો જુગાર રમતા માણસો પાસેથી પેમેન્ટ ઉઘરાવવાનું તથા દુકાનમાં દેખરેખ રાખવાનું કામ કરતો હોવાનું જણાયું હતું.

કોમ્પ્યુટર પર જુગાર રમતાં દસ શખ્સોની અટકાયત

પ્રાથમિક તપાસમાં જ પોલીસે રોકડ, મોબાઇલ સહિત કબજે કરી કોમ્પ્યુટર પર જુગાર રમતાં શખસોની અટકાયત કરી હતી. મોબાઇલ, કોમ્પ્યુટર, રોકડ મળી કુલ રૂ. 1 લાખ 48 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં પોલીસે કેતુલ મહેશ ભોઇ, મીલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી, સંદીપ રમેશ મોચી, અજીત નારસંગ ડામોર, સોહિલ ઉર્ફે જાડીયો સલીમોદ્દીન મલેક, પંકજ રામસિંગ પરમાર, મોહસીન નજીરોદ્દીન મલેક, બિંદેશ મફત પરમાર, ચંદ્રેશ રમેશ પટેલ, શ્યામગીરી ગોસ્વામી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

કર્મચારીઓના નામ અને પાસવર્ડ બનાવ્યા

ચંદ્રેશ અને શ્યામગીરીએ ઓનલાઇન જુગાર રમવા માટે તેમને ત્યાં જ કામ કરતાં કર્મચારીઓના નામ અને પાસવર્ડ બનાવ્યાં હતાં. જેના ઉપયોગથી બહારના ગ્રાહકો જુગાર રમતાં હતાં. આ કર્મચારીઓને મહિને આઠ હજારનો પગાર આપવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...