ખંભાત શહેરમાં વર્ષ 2022માં ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમીના તહેવારે નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ઉપર ભારે પથ્થરમારો કરી દુકાનો અને મકાનોમાં તોડફોડ કરી સળગાવી મુકવાની ઘટના બની હતી. તેમજ દસથી વધુ વાહનો ઉપર પેટ્રોલ છાંટી સળગાવી મુક્યા હતાં. આ ઘટનામાં એક આઘેડનું મોત નીપજ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા અને એક વર્ષથી નાસતા ફરતા કુલ 10 આરોપીઓને આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મળેલી માહિતીના આધારે શક્કરપુરા વચલા મહોલ્લામાં છાપો મારીને ઝડપી પાડ્યાં હતાં.
શું છે સમગ્ર મામલો?
ખંભાત શહેરમાં ગત વર્ષે ભગવાન રામના જન્મદિન નિમિત્તે રામનવમીના દિવસે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મંદિરથી થોડેક જ દૂર પહોંચતા ત્યાં વિધર્મીના અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે શોભાયાત્રામાં નાસ ભાગ મચી જવા પામી હતી. આ ઉપરાંત વિફરેલા ટોળાએ દુકાનો, મકાનો અને વાહનોની તોડફોડ કરી આગ ચાપી નુકશાન પહોંચાડ્યું હતું. આ પથ્થરમારામાં એક હિન્દુ આઘેડનું મોત નીપજ્યું હતું. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડીને તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને મામલો શાંત પાડ્યો હતો.
પોલીસે બાતમીના આધારે દબોચી લીધા
આ અંગે ખંભાત શહેર પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટીંગ તથા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન દસથી વધુ આરોપીઓ નાસી ગયાં હતા. તે દરમિયાન આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસને માહિતી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા શખસો ખંભાત શકકરપુરા ખાતે હાજર છે. જેથી આણંદ એસઓજીએ જુદી- જુદી ટીમો બનાવીને શકકરપુરા વચલા મોહલ્લામાં છાપો મારી રાયોટીગ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા તારીકભાઈ યુસુફભાઈ મલેક, અલ્તાફહુસેન ઇખતિયાહુસેન મલેક, ઇફતેખાર હુસેન ઉર્ફે અપ્પુ ચાંદાભાઈ શેખ, સમીરભાઈ મુનાફભાઈ મલેક, વાસીલ ઉર્ફે કબુતર વાહીદભાઈ મલેક, અબ્દુલભાઈ યાસીનભાઈ મલેક, શાદાબ મોયુદીનભાઈ મલેક, અજરુદ્દીન મુખત્યારભાઈ મલેક, વસીમભાઈ મુનાફભાઈ મલેક તથા ફેજાનભાઈ સોકાતભાઇ ઉર્ફે કાલુભાઈ મલેક (તમામ રહે શકકરપુરા ખંભાત)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.