ઉજવણી:આણંદમાં શિક્ષક દિનની ઉજવણી, જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો દેશની ભાવિ પેઢીના ઘડતર સાથે આદર્શ નાગરિકો તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે: રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં દર વર્ષે તા.5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં બીએપીએસ વિદ્યાલય, બાકરોલ ખાતે રાજ્ય મંત્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષણ ક્ષેત્રે ગૌરવ રૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે આણંદ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય મંત્રી મનિષાબેન વકીલના હસ્તે સ્મૃતિચિન્હ, મોમેન્ટો, બુકે અને શાલ ઓઢાડીને ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્ય મંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે શિક્ષકનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. શિક્ષકો દેશની ભાવિ પેઢીના ઘડતર સાથે આદર્શ નાગરિકો તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે.શિક્ષકોમાં ઘણી બધી વિવિધ પ્રકારની આગવી આવડત હોય છે. ત્યારે બાળકોની સાથે જોડાઈ જઈને તેને ઘડવાનું કામ શિક્ષક કરે છે.શિક્ષકો અત્યારે ક્રિએટિવ બન્યા છે ત્યારે વિવિધ પ્રકારના ચાર્ટ તૈયાર કરીને શિક્ષક પહેલા પોતે તૈયાર થાય છે પછી બાળકોને તૈયાર કરે છે બાળકો જે કંઈ શીખે છે તે પોતાના માતા પિતાની સાથે શેર કરે છે. બાળકોના જીવન ઉપર શિક્ષકોનો પ્રભાવ હોય છે બાળકો પોતાના માતા પિતા કરતા પણ વધારે શિક્ષકોની વાત માનતા હોય છે ત્યારે બાળકો શિક્ષકોને પૂજે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોએ બાળકને સારી રીતે ઘડવાનું કામ કરવાનું છે જે રીતે માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે તે જ રીતે શિક્ષકોએ બાળકોને શ્રેષ્ઠ સંસ્કારી શિક્ષણ આપી સમાજમાં શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે તેવા વિદ્યાર્થીઓ ઉભા કરવાના છે. શિક્ષકોનો રોલ ચેલેન્જ રોલ છે, ત્યારે શિક્ષક પહેલી બેંચમાં વિદ્યાર્થી બેસે કે છેલ્લી બેંચમાં દરેકના વિશે જાણતા હોય છે ત્યારે શિક્ષકોએ બાળકોને માત્ર ટેક્સ્ટ બુક,નોટબુક કે પેન જ નહીં પરંતુ ભવિષ્યમાં તેને જે કામ લાગવાનું છે તે બધું જ સારામાં સારા ગુણ સાથેનું શિક્ષણ આપવાનું છે.

આ ઉપરાંત બાળક જે ભાષામાં સમજે તે ભાષામાં બાળકોને ભણાવવા જોઈએ .ટેક્સ્ટ બુક ની જરૂર ન પડે તે રીતે ભણાવવાથી વિદ્યાર્થીઓ વધુ સમજ પડે છે. નવી શિક્ષણનીતિ મુજબ બાળકોમાં કોન્ફિડન્સ લેવલ વધે તે મુજબ ભણાવવા રાજ્ય મંત્રી મનીષાબબેન વકીલે અપીલ કરી હતી.બાળકોમાં અલગ અલગ પ્રકારની આવડત હોય છે .બાળકોની સુસુપ્તશક્તિ ખીલવવાનું કામ શિક્ષક કરે છે ત્યારે વિદ્યાર્થીઓને સારા માણસ બનતા પણ શીખવાડજો તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

તેઓએ આજે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને જે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છે તેમને પણ અભિનંદન આપ્યા હતા અને શિક્ષકોને ટકોર કરી હતી કે જે શિક્ષકો હજી શ્રેષ્ઠ શિક્ષક બન્યા નથી તેમણે વધુ મહેનત કરીને પોતાની આગવી આવડતથી અલગ પ્રકારથી શીખવાડવાની શરૂઆત કરશો એવી અપેક્ષા સેવી હતી.

પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિવેદિતાબેન ચૌધરીએ સૌનો આવકાર કર્યો હતો.અંતમાં આભાર વિધિ ડાયટના પ્રાચાર્ય ગઢવીએ કરી હતી.આ પ્રસંગે સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, કલેકટર મનોજ દક્ષિણી, તાલુકા પંચાયત પ્રમુખ અંજનાબેન, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દ્રજીતભાઈ પટેલ, પ્રાંત અધિકારી, નગરપાલિકાના સદસ્યો અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા શિક્ષણ ગણ અને આચાર્યગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...