આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ખાદ્યતેલના ભાવ દિનપ્રતિદિન ઉંચકાઇ રહ્યાં છે. ત્યારે પ્રજાને તેલના ઉંચા ભાવના ચુકવવા પડે તેમજ લોકોને સરળતાથી તેલ મળી રહે તે માટે આણંદ જિલ્લાના ખાદ્યતેલના વેપારીઓ પાસે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ બેઠક યોજી હતી. તેલ વેપારીઓ દુકાન અને ગોડાઉન કેટલો સ્ટોક રાખી શકે તે અંગેની જાણકારી અપાઇ હતી. ખાદ્યતેલ/તેલીબિયાના ભાવ નિયંત્રણ માટે ગુજરાત ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબિયા (સંગ્રહ નિયંત્રણ) હુકમ -2022ની જોગવાઈને આધિન સ્ટોક મર્યાદા દાખલ કરેલ છે.
આ સ્ટોક મર્યાદા 30મી જુન-2022 સુધી અમલમાં રહેશે. સરકારની જાહેરાત પ્રમાણે ખાદ્યતેલના રીટેલ વેપારીઓ 30 ક્વિન્ટલ, હોલસેલર 500 ક્વિન્ટલ અને ડેપોમાં 1000 ક્વિન્ટલની મર્યાદામાં ખાદ્યતેલનો સંગ્રહ કરી શકશે તથા ખાદ્યતેલીબિયાના રીટેલ વેપારીઓ 100 ક્વિન્ટલ, હોલસેલર 2000 ક્વિન્ટલની મર્યાદામાં ખાદ્યતેલીબિયાનો સંગ્રહ કરી શકશે.
કલેકટર મનોજ દક્ષિણી એ તમામ સંગ્રહકર્તા જેવાકે રીફાઇનર્સ, મીલર્સ, એક્સટ્રેક્ટર, ઇમ્પોર્ટર્સ, એક્ષપોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, ડિલર્સ વિગેરે તેમના ખાદ્યતેલ/તેલીબિયાનો સ્ટોક જાહેર કરે તથા તેઓની ચકાસણી થાય તથા ખાદ્યતેલ/તેલીબિયાના સ્ટોકનું મોનીટરીંગ કરવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હાજર રહેલ જથ્થાનું મેટ્રીક ટનમાં અઠવાડીક ડેટાએન્ટ્રી કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.