ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.
ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે. આ અંગે જિલ્લા વહીવટી અને પોલીસતંત્ર દ્વારા તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે અને આ સ્થળોની આસપાસ ઝાડીઝાંખરા કે ગેરકાયદે કાચાં કે પાકાં દબાણો સહિતની અડચણ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે હાલ શક્કરપુર ગામમાં ગેરકાયદે દબાણો અને ઝાડીઝાંખરા દૂર કરવા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારીની નજર હેઠળ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અલબત્ત, પથ્થરમારાની ઘટનાના પડઘા હજુ શાંત પડ્યા નથી. સ્લિપર મોડ્યુલ બહાર આવતાં ખંભાત બીજું કાશ્મીર ન બને એ માટે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહી છે. જિલ્લા પોલીસ સાથે કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર વિભાગ પણ આ અંગે સતત સતર્ક રહી તથા કામગીરી બજાવી રહ્યું છે.
શક્કરપુર સહિત ખંભાત તાલુકા મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો ખડકાયેલાં છે, જેમની આડમાં અસામાજિક તત્ત્વો પોતાના બદઇરાદા પાર પાડી રહ્યા છે. આ દબાણોની આડમાં ચાલતી કેટલીક બદીઓ પણ સામે આવી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન બેઠક તાત્કાલિક દબાણ હટાવવા આદેશ આપવામાં આવ્યાં હતા, જેને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શુક્રવારના રોજ દબાણો હટાવવામાં આવ્યા હતા. આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલ તંત્ર દ્વારા શક્કરપુરમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગળ પણ ચાલતી રહેશે, ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે અને સમગ્ર ખંભાતમાં દબાણ હટાવવામાં આવશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસે જણાવ્યું હતું કે સંવેદનશીલ પોઇન્ટ પર શાંતિ જળવાય રહે એ માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શક્કરપુરમાં તંત્ર સાથે રહી ગેરકાયદે દબાણો હટાવવામાં આવશે.
જિલ્લા પોલીસ વડાના ધામાથી ખંભાત હેડક્વાર્ટરમાં ફેરવાયું
ખંભાત શહેરના શક્કરપુરમાં રામનવમીમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાને પોલીસબેડા દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. અઢી વર્ષ પહેલાં પણ થયેલા છમકલાથી તત્કાલીન સમયથી જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, આથી આ વખતે સમગ્ર પ્રકરણને ઉગતું જ ડામી દેવા જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખંભાત ધામા નાંખ્યાં છે. જેના કારણે હાલ ખંભાત જ હેડક્વાર્ટર બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી દરમિયાન બુલડોઝર સાથે પ્રચાર કરવાના કારણે લોકો CMને બુલડોઝર બાબા તરીકે ઓળખતા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં તોફાનીઓએ કરેલા ગેરકાયદે દબાણો દૂર કરનાર મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના મધ્યપ્રદેશમાં બુલડોઝર મામાના લખાણો સાથે હોર્ડિગ્ઝ લાગ્યા હતા. અને હવે ગુજરાતના ખંભાતમાં પણ ગેરકાયદે બુલડોઝર ફેરવી તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રવિવારે(10 એપ્રિલ) બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.