આણંદ પાસેના કાસોર (ભાલેજ)ના રામનાથ મહાદેવ ટ્રસ્ટના નવનિયુક્ત 9 ટ્રસ્ટીઓની કામગીરી સામે સ્ટે આવતાં ચકચાર મચી ગઈ છે. આણંદ તાલુકાના કાસોર(ભાલેજ) ગામે વર્ષો જુનું રામનાથ મહાદેવ મદિરનું ટ્રસ્ટ આવેલું છે. છ વર્ષ અગાઉ ગામના જ અને હાલમાં વિદ્યાનગર ખાતે રહેતા અક્ષયભાઈ નટુભાઈ પટેલ, મૂળ અજુપુરાના પરંતુ જે તે સમયે કાસોર ગામમાં રહેતા રમણભાઈ શંકરભાઈ પટેલ, ગામના વિજયભાઈ ભગુભાઈ પટેલ અને હાલમાં આણંદ રહેતા અને જે તે સમયે કાસોરમાં રહેતા અક્ષિતભાઈ મનુભાઈ પટેલ દ્વારા વર્ષ 2016-17માં કોઈ પણ પ્રકારની ગ્રામસભા યોજવામાં આવી ન હતી.
છતાં ગ્રામસભા યોજી હોવાનું અને ગ્રામજનોને નવી હાઈસ્કૂલ બનાવવાના બહાને સહીઓ કરાવી લીધા બાદ આ સહીઓનો પોતે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ બનાવવા માટે દુરુપયોગ કરી જાતે જ ટ્રસ્ટીઓ બની બેઠા હતા. બાદમાં અન્ય ત્રણ ટ્રસ્ટીઓ અક્ષયભાઈ, રમણભાઈ અને વિજયભાઈ એક તરફ થઈ ગયા હતા. અને ચોથા ટ્રસ્ટી અક્ષિતભાઈ મનુભાઈ પટેલને વિશ્વાસમાં લીધા સિવાય જ પોતાની મનમાની કરી મનઘડત નિર્ણયો કરી રામનાથ ટ્રસ્ટને નુકશાન પહોંચાડતા હતા.
ગામમાં અક્ષય પટેલ, રમણ પટેલ, વિજય પટેલ એમ ત્રણ ટ્રસ્ટીઓનો કેટલાંક લોકો દ્વારા વિરોધ કરાતા અને પોતાની મુદત પૂરી થતી હોવાથી ત્રણેય ટ્રસ્ટીઓએ મુદત પુરી થતું હોવાનું કારણ આગળ ધરીને પોતે પોતાની રીતે નીકળી ગયા હતા. અને ચોથા ટ્રસ્ટી અક્ષિત પટેલને કોઈ જ પણ પ્રકારની જાણ કર્યા સિવાય બીજા નવ ટ્રસ્ટીઓ જેમાં પ્રકાશ રમેશ પટેલ , ધર્મેશ ગીરીશ પટેલ, પીનલ જગદીશ પટેલ, વિજય ભગુ પટેલ, ચિંતલ ઉપેન્દ્ર પટેલ, અમિત મનુ પટેલ, પરેશ છગન પટેલ, નિપમ કિરીટ પટેલ, હર્ષ પરેશ પટેલની નિમણૂંક આણંદ પ્રદેશના મદદનીશ ચેરિટી કમિશ્નર સમક્ષ ફેરફાર નોંધ મારફતે કરાવી દીધી હતી.
આ ફેરફાર નોંધ સામે ચોથા ટ્રસ્ટી અક્ષિત પટેલે વડોદરા જોઈન્ટ ચેરીટી કમિશ્નર ખાતે અપીલ કરી હતી. સાથે સાથે આણંદ મદદનિશ ચેરીટી કમિશ્નરમાં પણ લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે આણંદ પ્રદેશના મદદનિશ ચેરીટી કમિશ્નર દ્વારા નવા નિમાયેલા 9 ટ્રસ્ટીઓ આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ જ પણ પ્રકારના ઠરાવ કરી ન શકે, નિર્ણયો કરી ન શકે, તેમજ ટ્રસ્ટના દસ્તાવેજો સાથે, એજન્ડાબુક સાથે કોઈ જ પણ પ્રકારના ચેંડા કરી ન શકે તેવો હુકમ કર્યો છે.
ખોટી સહીઓ બાબતે કાર્યવાહી કરાશે
કાસોર રામનાથ મહાદેવ મંદિરના વર્ષ 2016-17માં બનેલાં ચાર ટ્રસ્ટીઓ દ્વારા જે તે સમયે કોઈ પ્રકારની ગ્રામસભા યોજી ન હતી. અને ગ્રામસભા યોજી હોવાનું ટ્રસ્ટ બનાવવાના પુરાવામાં રજૂ કરવામાં આવ્યુ છે. ગ્રામસભા તો યોજી જ ન હોવા છતાં પણ કેટલાક ગ્રામજનોને ગામની નૂતન વિદ્યા મંદિર સ્કુલનું નવું મકાન બનાવવાનું છે તેમ જણાવીને ગેરમાર્ગે દોરીને સહીઓ કરાવી હતી. બાદમાં આ સહીઓ ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટીઓ બનાવ માટે ઉપયોગ કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે જેને પગલે ગેરમાર્ગે દોરી ખોટી સહી કરાવી લેવા બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ એક અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.